અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Steep hike in sugar prices right ahead of the festive season શ્રાવણ મહિનાના જન્માષ્ટમી સહિતના તહેવારો નજીકમાં છે, ત્યારે ખાંડના ભાવમાં અસામાન્ય વધારો કરાતા લોકોને મોંઘવારીમાં વધુ એક ડામ દેવાયો છે. ખાંડના ભાવમાં તોતિંગ 15ના વધારા સાથે પ્રતિકિલાના ભાવ રૂપિયા 65ને વટાવી ગયા છે. ખાંડના ભાવમાં તોતિંગ વધારો થતાં તહેવારો ટાણે મીઠાઈના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
પવિત્ર શ્રાવણ મહિનામાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો ટાણે જ ખાંડના ભાવમાં તોતિંગ વધારો થયો છે. આ વર્ષે તહેવારની મીઠાશમાં મોંઘવારીની કડવાશ ભળી ગઈ છે. તહેવારો ટાણે જ બજારમાં ખાંડના ભાવમાં તેજી જોવા મળી છે. અગાઉ 48 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડ રાતોરાત વધીને સીધી 65 થી 70 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે. માત્ર એક જ માસના ટૂંકા સમયગાળામાં ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ સીધો રૂ. 15નો તોતિંગ વધારો ઝીંકાયો છે.
ખાંડના ભાવમાં તોતિંગ વધારાની સીધી અસર ઘરના રસોડાથી લઈને બજારની મોટી હોટલો અને મીઠાઈની દુકાનો પર પડી છે. રસોડામાં દૈનિક બનતી ચા, દૂધ, શીરો, લાપસી, હલવો અને દૂધપાક જેવી રોજિંદી ખાધ્ય ચીજોમાં ખાંડનો અનિવાર્ય વપરાશ થાય છે. સામાન્ય પરિવારમાં માસિક ધોરણે ખાંડનો મોટો વપરાશ રહેતો હોય છે, ત્યારે આ અચાનક થયેલા ભાવવધારાએ ઘરનું બજેટ ખોરવી નાખ્યું છે. તહેવારોના આ દિવસોમાં ગરીબથી લઈને અમીર તમામ વર્ગના લોકો ઘરમાં મોહનથાળ, પેંડા, બરફી, ગુલાબજાંબુ અને કાજુ-કતરી, , જલેબી અને લાડુ જેવી અનેકવિધ પરંપરાગત મીઠાઈઓ બનાવતા કે ખરીદતા હોય છે. મીઠાઈ બનાવવા માટે મુખ્ય ઘટક તરીકે ખાંડ અનિવાર્ય છે, તેથી ભાવ વધવાથી મીઠાઈના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ સમગ્ર દેશમાં પર્યાવરણ અને ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની રાષ્ટ્રીય નીતિ અમલમાં છે. આ હેતુસર ખાંડના બદલે શેરડીમાંથી મોટા પ્રમાણમાં ‘ઇથેનોલ’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શેરડીનો મોટો જથ્થો ઇથેનોલ પ્લાન્ટ્સ તરફ વળી જવાથી, ખાંડના ઉત્પાદન માટે સુગર મિલોમાં પહોંચતી કાચા માલ (શેરડી)ની આવકમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેથી દેશભરમાં ખાંડના કુલ ઉત્પાદન પર સીધી નકારાત્મક અસર પડી છે. માંગ અને પુરવઠા વચ્ચેની આ અસમતુલાને લીધે ઓપન માર્કેટમાં ખાંડના ભાવ ભડકે બળ્યા હોવાનું કહેવાય છે.
ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ થઇ છે. ગોળના ભાવ પ્રતિ કિલો પણ 65 રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયા છે. તહેવારો સમયે માંગમાં વધારો થવાને કારણે ગોળના ભાવ વધુ મજબૂત થવાની ધારણા છે. આ વર્ષે, ગોળના ભાવમાં પણ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે.


