અમદાવાદ, 22 ઓગસ્ટ, 2026 : Scam involving the sale of banned analogue paneer brought from Rajasthan ગુજરાત સરકારે એનાલોગ પનીરના ઉત્પાદન અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુક્યો હોવા છતાંયે રાજસ્થાનમાં એનાલોગ પનીર બનાવીને ટ્રાવેલ્સની બસોમાં ગુજરાતમાં લાવીને એનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અમદાવામાં મ્યુનિના ફૂડ વિભાગે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક કોર્પોરેશનના પે એન્ડ પાર્કિંગ પ્લોટમાં બે લક્ઝરી બસમાં શુક્વારે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જેમાં 408 કિલો લો ફેટ પનીરનો જથ્થો ઝડપીને સીઝ કર્યો છે. લક્ઝરી બસમાં રાજસ્થાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો. જેમાં પ્રતિ કિલોની MRP 450 રુપિયા લખેલી હતી.
એએમસીના ફૂડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહના કહેવા મુજબ, દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદ શહેરમાં લક્ઝરી ટ્રાવેલ્સમાં પનીરનો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા શુક્રવારે અરુણાચલ પ્રદેશના સિમ્બોલ વાળી બે લક્ઝરી બસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં રાજસ્થાનથી લવાયેલો એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થાને નરોડા અને મણીનગર વિસ્તારના બે લોકો પ્રતિ કિલો 240ના ભાવે ખરીદવા માટે આવ્યા હતા.
ફુડ વિભાગની તપાસમાં એવી હકિકત જાણવા મળી હતી કે, રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગરમાં ભોલેનાથ મિલ્ક પ્રોડક્ટ અને પાલી ખાતે સરદાર સમંદ રોડ પર RICCO 4th ફેઝમાં આવેલી વેરાઈટી પ્રોડક્ટ નામની મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી પનીરનો જથ્થો લકઝરી બસમાં અમદાવાદ લાવ્યા હતા. જે નરોડા અને મણીનગરના બે વેપારીઓને આપવાના હતા અને તેઓ પણ વિવિધ જગ્યાએ છૂટકમાં પનીર વેચવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે ફૂડ વિભાગ દ્વારા આ પનીરનો જથ્થો લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યો છે. સેમ્પલના પરિણામ આવ્યા પછી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને લાવવામાં આવનાર તેમજ ખરીદનાર તમામ લોકો સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.


