
- પોલીસને ઘરમાંથી સુસાઈડ નોટ મળી
- આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી
અમદાવાદઃ ગાંધીનગરમાં આર્થિક કારણોસર પત્ની અને બાળકની હત્યા બાદ ઘરના મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન સુરતમાં આર્થિક સંકડામણ અને લેણદારો દ્વારા હેરાન કરવામાં આવતા એક પરિવારે સામુહિક આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા ભરતભાઈ સંસાગિયા, તેમની પત્ની વનિતા અને 30 વર્ષીય પુત્ર ભરત સસાંગિયાએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટુંકાવ્યું હતું. આ બનાવની જાણ થતા સોસાયટીના રહીશોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યાં ફરજ હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક કારણોસર અંતિમ પગલુ ભર્યાનું ખુલ્યું હતું. પોલીસે ઘરમાં તપાસ કરતા એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લેણકારો દ્વારા હેરાન કરવામાં આવતા પરિવારે અંતિમ પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. પરિવારના 3 સભ્યોએ કરેલા સામુહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે. પોલીસે પરિવારની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.