- દીક્ષા ન અપાવવા બાળકીની માતાને કોર્ટમાં એફિડેવિટ કરવા આદેશ
- બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી
- કોર્ટના આદેશથી બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી
સુરતઃ શહેરમાં 7 વર્ષની બાળકીને દીક્ષા આપવાના પ્રશ્ને ચાલી રહેલા કાયદાકીય જંગમાં ફેમિલી કોર્ટે બાળકીને દીક્ષા ન આપવાનો આદેશ કરતા બાળકીની દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આ કેસમાં પોતાની દીકરીની દીક્ષાની વિધિઓ પર રોક લગાવવાની માગ સાથે પિતાએ કાયદાકીય લડત શરૂ કરી હતી. આ મામલે કોર્ટે ગંભીરતા દાખવી માતાને સ્પષ્ટતા કરવા આદેશ આપ્યો હતો કે દીક્ષાની કોઈ પણ પ્રક્રિયા આગળ ન વધારવામાં આવે, જેના અનુસંધાને માતાએ કોર્ટમાં પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. હાલ દીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.
સુરતમાં રહેતા જૈન પરિવારની સાત વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા કાયદાકીય જંગમાં આજે એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી પિતા એવો દાવો કરી રહ્યા હતા કે તેમની સંમતિ વગર અને જાણ બહાર દીક્ષા નક્કી કરવામાં આવી છે, પરંતુ આજે ફેમિલી કોર્ટમાં બાળકીની માતાએ કેટલાક ચોકાવનારા પુરાવા અને ફોટોગ્રાફ્સ રજૂ કરીને પિતાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન માતાએ કેટલાક પુરાવા રજૂ કર્યા હતા. જેમાં માતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે, 4 ઓક્ટોબર, શનિવારના રોજ જ્યારે આચાર્ય ભગવાન પાસે દીક્ષાની અનુમતિ લેવા માટે બાળકીને લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પિતા અને પિતાના પરિવારના તમામ સભ્યો ત્યાં હાજર હતા. માતાએ કોર્ટમાં એવા ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા છે જેમાં પિતા દીક્ષાની પ્રક્રિયામાં સામેલ જોવા મળી રહ્યા છે.
બાળકીની માતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, પિતાને દીક્ષા અંગેની તમામ જાણકારી હતી અને તેમની સહમતીથી જ બધું આગળ વધ્યું હતું. જો પિતાને કોઈ વાંધો હતો તો તેમણે આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની લાગણી વ્યક્ત કરવાની હતી, પરંતુ સીધા કોર્ટનો આશરો લેવો એ ખૂબ જ ખેદજનક બાબત છે. બીજી તરફ, માતાએ રજૂ કરેલા ફોટા અંગે પિતાએ કોર્ટમાં પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. પિતાએ જણાવ્યું હતું કે, તે સમયે માત્ર પત્નીની જીદ અને દબાણને કારણે તેઓ આશીર્વાદ લેવા માટે ત્યાં ગયા હતા. તે સમયે દીક્ષાની કોઈ તારીખ નક્કી થઈ નહોતી કે વિધિ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. પિતાનો દાવો છે કે તેમને દીક્ષાની અંતિમ તારીખ અને મહોત્સવ વિશેની જાણકારી ઘણી મોડી મળી હતી, જેના કારણે તેમણે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખીને કોર્ટમાં અરજી કરી છે.
સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષોની ઉગ્ર દલીલો બાદ મામલો વધુ ગંભીર બન્યો હતો. પિતાની અજાણતાનો દાવો અને માતાના પુરાવાઓ વચ્ચે બાળકીનું ભાવિ અત્યારે કાયદાકીય ગૂંચમાં ફસાયું છે. હાલના તબક્કે કોર્ટની કાયદાકીય પ્રક્રિયા અને બાળકીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ દીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રમાં આ પ્રથમ વખત 59 મુમુક્ષુ એકસાથે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. આ પાંચ દિવસીય મહોત્સવ ચોથી ફેબ્રુઆરીથી આઠમી ફેબ્રુઆરી 2026 દરમિયાન મુંબઈના બોરીવલી ખાતે આચાર્ય સૌમસુંદરસૂરીશ્વરજી સહિત અનેક મહારાજ સાહેબના સાંનિધ્યમાં યોજાશે. આ 59 મુમુક્ષુમાં 18 પુરુષ અને 41 મહિલાનો સમાવેશ થાય છે, જેમાં 71 વર્ષના સૌથી વરિષ્ઠ મુમુક્ષુથી લઈને સુરતની આ સાત વર્ષની બાળકી સૌથી નાની મુમુક્ષુ હતી.


