રાજકોટ, 11 ફેબ્રુઆરી 2026: જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત બની છે. જેતપુર અને આજુબાજુના વિસ્તારોમાં કારખાનેદારો તેમજ કેમિકલની ફેકટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુરના કેરાળી-લુણાગરા પાસે ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી છોડાતા નદી પ્રદૂષિત થઇ છે. આ ઘટનાને લઇને ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ GPCB કચેરી ખાતે નદીની પાણીની બોટલ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ન્યાયની માંગ સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
રાજકોટ જિલ્લાના જેતપુર પંથકની જીવાદોરી સમાન ભાદર નદી ફરી એકવાર પ્રદૂષિત બની છે. કેરાળી અને લુણાગરા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા બેરોકટોક ઝેરી કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવતા નદીમાં ફીણના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. આ ગંભીર પ્રશ્નને લઈ સ્થાનિક ખેડૂતો દ્વારા ‘ભાદર બચાવો’ અભિયાન અંતર્ગત ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ નદીમાંથી પ્રદૂષિત પાણીની બોટલો ભરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં હાજર અધિકારીને પ્રદૂષિત પાણી બતાવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારી અને ખેડૂતો વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી.
ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 40 વર્ષથી આ પ્રશ્ન યથાવત છે અને અધિકારીઓની મિલીભગતથી ગેરકાયદેસર એકમો નદીમાં સીધું ઝેરી પાણી ઠાલવે છે, જેના કારણે ખેતીની જમીન અને પશુઓના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટડિયા અને અન્ય કાર્યકરો GPCB કચેરી બહાર જ આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી ભાદર નદીમાં પ્રદૂષણ ફેલાવતા માફિયાઓ સામે કડક પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.


