- જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠાથી 100 ટકા નુકસાન થયુ છે,
 - હજુ પણ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે,
 - ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત
 
ભાવનગરઃ ગોહિલવાડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં માવઠાએ વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શિહોર તાલુકાના કેટલાક ગામોના વાડી-ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. ખરીફ પાક તો નિષ્ફળ ગયો પણ રવિ સીઝનનું વાવેતર કેવી રીતે કરવું તે અંગે ખેડૂતો ચિતિત બન્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના નુકસાનીનો સર્વે કરાવવાની જાહેરાત કરી છે. તેનો ભાવનગર જિલ્લાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો છે. ખેડૂતોનો 100 ટકા પાક ધોવાઈ ગયો છે. ત્યારે સર્વે કરાવ્યા વિના ખેડૂતોને 100 ટકા સહાય આપવાની માગ ઊઠી છે.
ગોહિલવાડ પંથકમાં તાજેતરના કમોસમી વરસાદે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. માવઠાને પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર સર્વેની કામગીરીનો ખેડૂતોએ સખત વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોની માંગ છે કે સર્વે કર્યા વિના જ તમામ અસરગ્રસ્તોને 100 ટકા નુકસાની ગણીને વળતર ચૂકવવું જોઈએ.
રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરી વળતર ચૂકવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. જોકે, ખેડૂતોએ આ સર્વે પ્રક્રિયાનો જ બહિષ્કાર કર્યો છે. આ ગંભીર બાબતે ભંડારિયા ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું છે કે, માવઠાને કારણે આ પંથકના તમામ વિસ્તારોમાં અને બધા જ સર્વે નંબરોમાં ખેતીપાકોને 100 ટકા નુકસાન થયું છે. આથી સર્વે કર્યા વગર જ તમામ ખેડૂતોને વળતર મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાના તમામ તાલુકા એટલે કે 10 તાલુકા અને એક સીટી તાલુકા એમ 11 તાલુકામાં સમાવિષ્ટ 699 ગામોમાં સતત વરસાદના કારણે તમામ પાકોમાં નુકસાની અંગેની રજૂઆત મળી હતી. ભાવનગર જિલ્લાની પાક પદ્ધતિ જોઈએ તો જિલ્લાના ચોમાસુ સિઝનના કુલ વાવેતર પૈકી 80 ટકા જેટલું વાવેતર કપાસ અને મગફળીનું થયુ હતુ તેથી કપાસ અને મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું હતું.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

