- વેપારીએ ગ્રાહકો આવતા હોવાથી દૂકાન પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી,
- ત્રણ શખસોએ લોખંડનો પાઈપ અને લાકડીથી વેપારી પર તૂટી પડ્યા,
- વેપારીને પાલિતાણાની હોસ્પિટલમાં ખસેડાયા
ભાવનગરઃ જિલ્લાના સિહોર તાલુકાના ઢાકણકુંડા ગામે એક વેપારીએ દુકાન પાસે ફટાકડા ફોડતા છોકરાઓ ટપાર્યા હતા. અને દૂકાનમાં ગ્રાહકો આવતા હોવાથી ફટાકડા ન ફોડવાનું કહ્યુ હતું. જેની દાઝ રાખીને ચાર ઇસમોએ વેપારી પર લોખંડની પાઈપો અને લાકડીઓથી જીવલેણ હુમલો કરતા વેપારીને સારવાર માટે પાલિતાણાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે વેપારીએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સિહેર તાલુકાના ઢાકણકૂંડા ગામે રહેતા વેપારી સંજય વલ્લભભાઈ પરમાર (ઉ.વ. 38) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.20/10/2025 ના દિવાળીની રાત્રે વેપારી સંજયએ પોતાની દુકાન નજીક ફટાકડા ફોડતા છોકરાઓને દૂર જઈ ફોડવા કહ્યું હતું, જેથી દુકાનમાં આગ લાગવાની ઘટના ન બને કે કોઈ દાઝી ના જાય, આ વાતની દાઝ રાખીને, તા. 23 ઓક્ટોમ્બર, 2025ના રોજ સવારે આશરે દસેક વાગ્યે બાળકોના પિતા રઘુ દેવાયતભાઈ શેલાણા દુકાને આવ્યો હતો અને વેપારીને ગાળો ભાંડવા લાગ્યો હતો. દરમિયાન થોડીવારમાં ભદ્રેશ સગરામભાઇ શેલાણા અને પ્રતિક પાંચાભાઇ શેલાણા પણ ત્યાં આવી ગયાં હતા. ત્રણેય જણાએ સંજયને ખેંચીને જૂની પંચાયત ઓફિસની પાછળ લઈ ગયા હતા અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ દરમિયાન બુધા ભોળાભાઈ શેલાણા લોખંડનો પાઇપ અને લાકડી લઈને આવ્યો હતા. બુધાએ સંજયભાઈના માથામાં ડાબી બાજુએ લોખંડના પાઇપનો ઘા માર્યો, જેથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા અને લોહીલુહાણ થઈ ગયા હતા, રઘુએ લાકડી વડે પણ માર માર્યો હતો.
આથી ઈજાગ્રસ્ત સંજયને પાલીતાણા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતાં, અને વધુ સારવાર માટે તેમને ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડાયા હતાં. વેપારીએ તમામ આરોપીઓ વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરવા, માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


