- શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં બનાવ બન્યો હતો
- માળી કામ કરતા પરિવારની દીકરી પગ લપસતા કૂવામાં પડી હતી
- પૂત્રીને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતુ
- ફાયર બ્રિગેડે બન્ને પિતા-પૂત્રીને કૂવામાંથી બહાર કાઢી બચાવી લીધા
અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ગજરાજ સોસાયટીમાં આવેલા જૈન દેરાસરના 60 ફૂટ ઊંડા પાણી ભરેલા બોરવેલ કૂવામાં ગત રાતે દેરાસરમાં જ માળી કામ કરતા પરિવારની દીકરીનો પગ લપસતા કૂવામાં ખાબકી હતી. દીકરી કૂવામાં પડતા તેને બચાવવા માટે પિતાએ પણ કૂવામાં છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને બંને પિતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને પાણીમાં હોવાના કારણે અને ખેંચીને બહાર કાઢી શકાય તેમ ન હોવાના કારણે છેવટે ફાયરબ્રિગેડની ટીમને કોલ કરાયો હતો. બોરવેલમાં પાણી હોવાથી અને બનાવને લાંબો સમય વિતવાથી પિતા-પુત્રી ડૂબવાની તૈયારીમાં હતા, ત્યાં જ ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી 20 મિનિટમાં જ રેસ્કયૂ ઓપરેશન કરી અંજલી સેની (ઉ. વ. 19) અને રાજેશભાઈ સેની (ઉ. વ .45)ને બહાર કાઢી સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ગઈકાલે રાતના સમયે શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં ગજરાજ સોસાયટીમાં આવેલા એક જૈન દેરાસરમાં 19 વર્ષિય યુવતી પગ લપસતા 60 ફમટ ઊંડા કૂવામાં ખાબકી હતી. દીકરી અકસ્માતે કૂવામાં પડી હોવાની જાણ થતાં તેના પિતા દોડી આવ્યા હતા અને દીકરીને બચાવવા માટે કૂવામાં ઝંપલાવ્યુ હતુ. જોકે પિતાને તરતા આવડતું હતું પણ દીકરીને લઈને કૂવામાંથી બહાર નિકળી શકે તેમ નહતા, આ બનાવની સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ફાયરબ્રિગેડને પિતા-પૂત્રી કૂવામાં પડી ગયા હોવાનો અંગેનો મેસેજ મળતા ફાયર સ્ટેશનથી મીની ટેન્કર અને અન્ય વાહન સાથે ફાયરની રેસ્કયૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતી અને એક વ્યક્તિ મંદિરના પ્રવેશ દ્વાર પાસે જ આવેલા ઊંડા બોરવેલના કૂવામાં પડેલા હતા. બોરવેલમાં પાણી ભરેલું હતું. બંને ડૂબવાની તૈયારીમાં હતા. આથી ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક ધોરણે તેઓને રેસ્ક્યૂ કરવા માટે મોટો રસ્સો અને સાધન સાથે એક ફાયરના જવાનને નીચે ઉતાર્યો હતો. રસ્સા વડે તેઓને બાંધીને એક બાદ એક બંનેને ઉપર લાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ યુવતીને બહાર કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેના પિતાને બહાર કાઢવામાં આવ્યા હતા. અંદાજિત 20 મિનિટમાં જ બંનેને બોરવેલમાંથી ખેંચી બહાર કાઢી લેવાયા હતા. તાત્કાલિક 108 અને ફાયરબ્રિગેડની ગાડીમાં બંનેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે જૈન દેરાસરમાં પ્રવેશ દ્વાર નજીક વર્ષો જૂનો ઊંડો બોરવેલ કૂવો આવેલો છે. પાંચ ફૂટ પહોળાઈ અને અંદાજિત 50થી 60 ફૂટ ઊંડો બોરવેલ હતો. ફાયર બ્રિગેડની ટીમને મોડી જાણ કરવામાં આવી હતી. બંને લગભગ ફાયરની ટીમ પહોંચી તેના 30 મિનિટ પહેલા પડ્યા હોવાથી સ્થાનિકોએ દોરડા વડે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓને ખેંચીને સ્થાનિક લોકો બહાર કાઢી શક્યા નહીં. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બોરવેલમાં પડ્યા તેમનું નામ અંજલી સેની (ઉ. વ. 19) અને રાજેશભાઈ સેની (ઉ. વ .45) હોવાનું જાણવા મળ્યું છે. રાજેશભાઈ અને તેમનો પરિવાર જૈન મંદિરમાં જ માળી તરીકેનું કામ કરે છે.


