સુરતમાં મહિલા RFOને માથામાં વાગેલી ગોળી બહાર કઢાઈ, ફાયરિંગ કોણે કર્યું તે અંગે તપાસ
- મહિલા RFO પોતાના 5 વર્ષના પૂત્ર સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે ગોળી વાગી હતી,
- મહિલા અધિકારીને તેના પતિ સાથે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે,
- ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ ગયો
સુરતઃ શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી વન વિભાગની કચેરીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ-જોખા રોડ પર પોતાની કારમાં 5 વર્ષીય પૂત્ર સાથે જઈ રહ્યા હતા. ત્યારે કાર ઝાડ સાથે અથડાતા મહિલા અધિકારી લોહી લૂહાણ હાલતમાં મળ્યા હતા. પોલીસે દોડી આવીને મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં માથાના ભાગે ગોળી વાગ્યાનો તબીબી રિપોર્ટ આવ્યો હતો. કોઈએ ફાયરિંગ કરતા મહિલા અધિકારીને ગોળી વાગતા મહિલાએ કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો,મહિલા RFOને કાનના નીચેના ભાગેથી વાગેલી ગોળી ડાબી બાજુ માથાના ભાગે અટકી ગઈ હતી, જેને સુરતની પી.પી. સવાણી હોસ્પિટલમાં કાઢવામાં આવી હતી. હાલ મહિલા અધિકારીની સ્થિતિ 72 કલાકથી ક્રિટિકલ છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મહિલા RFO સોનલબેન સોલંકી અને તેના આરટીઓ ઈન્સ્પેક્ટર પતિ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. આ ઘટના બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ગાયબ થઈ જતા અને તેનો માબાઈલ ફોન પણ સ્વીચઓફ આવી રહ્યો છે. આ બનાવમાં મહિલા RFOનો 5 વર્ષિય પૂત્ર હેબતાઈ ગયો હોવાથી પોલીસે કોઈપણ પૂછપરછ કરી નથી. મહિલા RFOની કારમાં ત્રણ દિવસ પહેલા જ GPS ટ્રેકર મળ્યુ હતું. અને મહિલાએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા ફોરેસ્ટ ઓફિસર પાસે વેગેનર કાર છે, જ્યારે અકસ્માત સમયે હોન્ડા અમેઝ હતી. અને કારને નંબરપ્લેટ પણ નથી. તેમજ કારમાં ગોળી વાગી હોવાનાં નિશાન કોઈપણ જગ્યાએ મળ્યાં નથી. કાર કામરેજથી સુરત તરફ જતી હતી ને વિરુદ્ધ દિશામાં ઝાડ સાથે કેમ અથડાઈ? તે પણ પોલીસ માટે તપાસનો મુદ્દો બન્યો છે.
આ બનાવની વિગત એવી હતી કે, સુરતના અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચેલાં પરિવારજનોએ સારવાર માટે તેને સુરતની ખાનગી હોસ્પિટલ પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડી હતી. તેઓ બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાયું હતું. સીટી સ્કેન સમયે માલૂમ પડયું કે તેમને માથામાં ગોળી વાગી છે. RFOનો અકસ્માત નહીં, પરંતુ ફાયરિંગ થયું હોવાનું બહાર આવતાં પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે હત્યા કે આત્મહત્યા? એ દિશામાં તપાસ કેન્દ્રિત કરી છે. RFO બેભાન છે, જ્યારે ચાર વર્ષીય પુત્ર ઘટનાથી હેબતાઈ ગયો હોવાથી પોલીસે કોઈપણ પૂછપરછ કરી નથી. હવે તેઓ ભાનમાં આવે અથવા 5 વર્ષીય પુત્ર પોલીસને ઘટના અંગે કોઈક માહિતી આપે તો સમગ્ર હકીકત સામે આવે એમ છે.


