Homeગુજરાતીગુજરાતખાંડ અને ડુંગળી વચ્ચે ભાવ વધારાની જામી સ્પર્ધા, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા

ખાંડ અને ડુંગળી વચ્ચે ભાવ વધારાની જામી સ્પર્ધા, ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા

અમદાવાદ, 26 ઓગસ્ટ, 2026 : Onion prices have skyrocketed. મોંઘવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. ખાંડના ભાવ પ્રતિકિલોના 70એ પહોંચ્યા બાદ ગરીબોની કસ્તુરી ગણાતી ડૂંગળીના ભાવ પણ રૂપિયા 65 નજીક પહોંચ્યા છે. આમ ડૂંગળી અને ખાંડના ભાવમાં જાણે સ્પર્ધા લાગી હોય એ રીતે બન્નેના ભાવ વધી રહ્યા છે. તહેવાર ટાણે જ ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં પણ ભડકો થયો છે. 15 દિવસ પહેલાં 35થી 40 રૂપિયામાં મળતી ડુંગળી આજે 65 રૂપિયે કિલો પહોંચી છે. હજુ પણ ભાવ વધવાની શક્યતા છે.

રાજ્યમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ સહિતના માર્કેટ યાર્ડમાં મહારાષ્ટ્રના નાસિક અને એમપીથી ડુંગળીના આવક ઘટી છે. વેપારીઓના કહેવા મુજબ, વરસાદના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ડુંગળી પલળી ગઈ હોવાથી ગુજરાતમાં ઓછો માલ પહોંચી રહ્યો છે. માલની અછતના કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ડુંગળીના હોલસેલ ભાવમાં પણ 10થી 15 રૂપિયાનો વધારો થતા વેપારીઓ 40થી 50 રૂપિયા કિલો ડુંગળી વહેંચી રહ્યા છે.

 અમદાવાદના ડુંગળીના જથ્થાબંધ વેપારીએ જણાવ્યું હતું કે, માર્ચ અને એપ્રિલમાં માલ બહાર નીકળવાનો સમય હોય છે, પરંતુ આ સમયમાં જ કમોસમી વરસાદ પડતા ડુંગળીના જથ્થાને ખુબ અસર થઈ હતી. 25 ટકા જેટલો સ્ટોક ખેડૂતોએ ક્વોલિટીના કારણે ખેતરમાં જ રહેવા દીધો છે. બીજા 25 ટકા માલ તેમને તાત્કાલિક જ કાઢવો પડ્યો હતો. અન્ય 50 ટકા માલ જે જગ્યાએ વરસાદ નથી પડ્યો ત્યાંથી સપ્લાય થઈ રહ્યો છે. 3 મહિના પછી નવો પાક આવશે તે ગુજરાત સુધી પહોંચશે. આગામી ત્રણ મહિના સુધી આ અછત જોવા મળવાની છે. અમે આશા રાખી રહ્યા છીએ કે, પાક સારો થાય અને ભાવમાં ઘટાડો થાય.

રાજકોટની જયુબેલી શાકમાર્કેટમાં વેપાર કરતા ડુંગળીના વેપારીએ કહ્યું કે, ગામડામાંથી જે ડુંગળી આવતી તે ઉનાળા અને તડકામાં ફેલ થઈ જતાં આવક ઘટી છે. નાસિકમાં પણ અછત થતાં આગામી બે મહિના સુધી હજુ લોકોને ભાવ વધારાનો માર સહન કરવો પડશે. ગ્રાહકોને 60 રૂપિયા કિલો કહીએ તો ડૂંગળીની  ખરીદી કરતા નથી. માર્કેટિંગ યાર્ડથી દરરોજ 2થી 5 બાંચકા મંગાવીએ છીએ. જોકે ઘરાકીમાં કોઈ ફેર પડ્યો નથી. હજુ એક મહિના સુધી ભાવ વધારો રહે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં એક વખત ડુંગળીના ભાવમાં આ રીતે વધારો થાય જ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular