અમદાવાદ, 26 ઓગસ્ટ, 2026 : NSUI protests against alleged scam involving former Vice-Chancellor Neerja Gupta રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ એકબીજા સાથે જોડાયેલા હોય તેમ રોજ નવા વિવાદો જન્મ લેતા હોય છે. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કૂલપતિ નિરજા ગુપ્તાના કાર્યકાળમાં લાખો રૂપિયાના કથિત કૌભાંડના મામલે પોલીસ ફરિયાદ કરવાની માગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ ઈન્ચાર્જ કુલપતિની ઓફિસમાં ઘૂસી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને નકલી નોટ વરસાવી ‘નીરજા ગુપ્તા હાય હાય’ના નારા લગાવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના કાર્યકાળમાં કરેલા લાખો રૂપિયાના કથિત કૌભાંડો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે કૌભાંડ સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. આથી કથિત કૌભાંડના મામલે પોલીસ ફરિયાદ નોંધાવવાની માગ સાથે NSUIના કાર્યકર્તાઓએ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની ઓફિસમાં ઘૂસી નકલી નોટનો વરસાદ કરતા ટેબલ પર નોટનો ઢગલો થયો હતો.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું કે, આંદોલનની શરૂઆત આજથી જ કરવાની હતી પરંતુ તહેવારો આવતા હોવાથી 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. અમારી માગણી નહીં સંતોષાય તો ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોનું બંધનું એલાન આપીશું, ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપીશું અને ત્યારબાદ જો કોઈ નિરાકરણ નહીં આવે તો ઇન્ચાર્જ કુલપતિનું મોઢું કાળું કરીને ધરણા પર બેસવાની પણ અમારી તૈયારી છે. રજીસ્ટ્રારની પણ સંડોવણી હોય તો તેમને પણ જેલમાં ધકેલવા જોઈએ. નીરજા ગુપ્તાના ખાતામાં પૈસા જાય તે માટે જે લોકોએ ઠરાવ કર્યો હોય તેમના સામે પણ કાર્યવાહી થવી જોઈએ.
તેમણે ઉમેર્યુ હતું કે, ગુજરાત યુનિવર્સિટીને PMJVK હેઠળ મળેલી અંદાજે 40 કરોડની ગ્રાન્ટના ઉપયોગને લઈને પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો થયા છે. નીરજા ગુપ્તાએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કરી અને આ હોદ્દા માટે આશરે 4.20 લાખનું કુલપતિના પગારની સાથે સાથે વધારાનું મહેનતાણું મેળવ્યું હતું. તેમજ જે ખાતામાં ગ્રાન્ટ જમા થઈ તેમાંથી 9.84 લાખ તેમના જર્મનીમાં રહેતા પુત્રના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.


