- શહેરના મીઠાખળીમાં આવેલા ઉર્વશી ફ્લેટ્સમાં બન્યો બનાવ
- ફાયરના જવાનોએ લિફ્ટનો અંદરનો ભાગ ખોલીને અંદર ઉતર્યા
- દોરડાની મદદથી વૃદ્ધને લિફ્ટમાંથી બહાર કઢાયા
અમદાવાદઃ લિફ્ટમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ તકેદારી રાખવાની હોય છે. ત્યારે શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલા ઉર્વેશી ફ્લેટની લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હતા. લિફ્ટ અચાનક અધવચ્ચે બંધ થઈ જતા અને લિફ્ટનો દરવાજો ખૂલી ન શકતા રહિશોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી, ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત પહોંચી જઈને લિફ્ટમાં ફસાયેલા વૃદ્ધનું એક કલાકની જહેમત બાદ રેસ્ક્યૂ કર્યુ હતું. શરૂઆતમાં ફાયર જવાનોએ દીવાલ તોડી વૃદ્ધને બહાર કાઢવાનો વિચાર કર્યો હતો. પરંતુ, દીવાલ તૂટે તેમ ન હોય લિફ્ટનો ઉપરનો ભાગ ખોલી ફાયર જવાન દોરડા વડે ઉતર્યો હતો. વૃદ્ધને દોરડાથી બાંધી બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મીઠાખળી છ રસ્તા પાસે આવેલા ઉર્વશી ફ્લેટમાં લિફ્ટમાં એક વૃદ્ધ ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. એક વૃદ્ધ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે ફસાયા હતા. જોકે ફર્સ્ટ ફ્લોર પર લિફ્ટનો આઉટ કમ આપવામાં આવેલો નહોતો. જેથી ફર્સ્ટ ફ્લોરની વચ્ચે તેઓ ફસાઈ ગયા હતા જેમને બહાર કાઢવા માટે સૌપ્રથમ દીવાલ તોડવા માટે નિર્ણય કર્યો હતો જો કે દિવાલ તૂટે તેવી નહોતી જેથી લિફ્ટની ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો હતો. લિફ્ટના મેન્ટેનન્સના કર્મચારીઓને પણ જાણ કરવામાં આવી હતી લિફ્ટનો ઉપરનો ભાગ ખોલવામાં આવ્યો અને ત્યારબાદ ત્યાંથી એક ફાયરના કર્મચારીને દોરડા સાથે અંદર ઉતારવામાં આવ્યો હતો. ફાયર નો કર્મચારી અંદર ઊતર્યા બાદ વૃદ્ધને સહી સલામત બહાર કાઢવા માટે તેમને દોરડા વડે બાંધવામાં આવ્યા હતા ને ત્યારબાદ લિફ્ટનો ઊંચો ભાગ હોવાના કારણે નાની એક સીડી મૂકવામાં આવી હતી જેમાંથી તેઓને ઉપર લાવી અને દોરડા વડે ખેંચી ઉપર લાવવામાં આવ્યા હતા. અંદાજિત એક કલાકની ભારે જહેમત બાદ વૃદ્ધિને સહી સલામત લિફ્ટમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા.


