
બેંગ્લોરઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન તમિલનાડુમાં બસ અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયાં હતા. જ્યારે અનેક વ્યક્તિઓને ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુના કરુર જિલ્લામાં કુલિથલાઈ નજીક એક કાર અને રાજ્ય પરિવહન નિગમની બસ વચ્ચે થયેલી ટક્કરમાં બે મહિલાઓ સહિત પાંચ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ટક્કરને કારણે પાંચેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. જ્યારે બસના આગળના ભાગને નુકસાન થયું છે. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર અને રેસ્ક્યુ સર્વિસના કર્મચારીઓએ મૃતદેહો બહાર કાઢવા માટે ક્ષતિગ્રસ્ત કારને કાપીને બહાર કાઢવી પડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કુલીથલાઈ નજીક કરુર-તિરુચિરાપલ્લી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. કરુર જતી કાર અને અરંથાંગીથી તિરુપુર જતી સરકારી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ. પોલીસે જણાવ્યું કે મૃતક કોઈમ્બતુરના કુનિયામુથુર વિસ્તારના રહેવાસી છે.