
ચેન્નાઈ: તમિલનાડુના મરિના બીચ પર ભારતીય વાયુસેનાના એર શો પછી ગરમીના કારણે પાંચ લોકોના મોત થયા હતા અને તમામને સરકારી હોસ્પિટલોમાં મૃત અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. તેમ તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે રાજકીય પક્ષો અને મીડિયાને આ મુદ્દે રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી.
સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે મરિના બીચ નજીક સ્થિત સરકારી હોસ્પિટલમાં દાખલ લગભગ 100 લોકોમાંથી સાત લોકોની સારવાર ચાલી રહી છે અને 93 લોકોને બહારના દર્દીઓ તરીકે સારવાર આપવામાં આવી હતી અને પાંચ લોકોને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની હાલત સ્થિર છે. “અમે મૃત્યુનો ઇનકાર કરતા નથી, આ તમામ મૃત્યુ ગરમીના કારણે થયા છે કારણ કે લોકો સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી સખત ગરમીના સંપર્કમાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે બે કલાકના એર શો (સવારે 11 થી 1 વાગ્યા સુધી)નો સમય ભારતીય વાયુસેના દ્વારા હવામાનની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવ્યો હતો અને એરફોર્સે લોકોને છત્રી લાવવા, કેપ અને ગોગલ્સ પહેરવા અને પાણી સાથે રાખવાની સલાહ આપી હતી. તેમને પાણીની બોટલ લાવવાની સલાહ આપવામાં આવી હતી.
અપૂરતી વ્યવસ્થાના વિરોધ પક્ષોના આક્ષેપોને નકારી કાઢતા સુબ્રમણ્યમે કહ્યું, “ભારતીય વાયુસેનાએ અમને 100 બેડ, 20 બેડની ICU સુવિધા અને બ્લડ બેંકને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે એલર્ટ પર રાખવા વિનંતી કરી હતી, પરંતુ અમે “પાંચ હોસ્પિટલમાં 4,000 બેડની વ્યવસ્થા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે 1,000 ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને 40 એમ્બ્યુલન્સની તૈનાતી ઉપરાંત, અન્ય સરકારી વિભાગો સાથે મળીને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. સુબ્રમણ્યમે અપીલ કરી, “ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવા માટે મરિના બીચ પર ઐતિહાસિક સમારોહનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.