અમદાવાદ, 8 એપ્રિલ 2026: Food department seizes 244 kg of inedible cheese ગુજરાતમાં નોન ડેરી પ્રોડક્ટ ગણાતા એનાલોગ પનીરનું વેચાણ વધતું જાય છે. એનાલોગ પનીર ડેરી પનીર કરતા સસ્તાભાવે મળતું હોવાથી હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટાભાગે એનાલોગ પનીરનો ઉપયોગ કરાતો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી તમામ હોટલો અને રેસ્ટોરેન્ટ તેમજ ઉત્પાદકો અને પનીરનો ઉપયોગ કરનાર તમામ ફુડ બિઝનેસ ઓપરેટરોને મિલ્ક પનીર/એનાલોગ પનીર (નોન ડેરી પ્રોડક્ટ)ના ઉપયોગ અંગે સ્પષ્ટપણે દર્શાવવા સૂચના આપી છે. દરમિયાન AMC ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા વસ્ત્રાલ વિસ્તારમાં ભૈરવનાથ પંજાબી તડકા નામની રેસ્ટોરન્ટ દ્વારા પનીર અંગેનું મેનુ કાર્ડ પ્રદર્શિત કર્યું નહોતું તેમજ ફૂડ સેફ્ટી લાઇસન્સ નહોતું જેથી તેને સીલ કરવામાં આવ્યું હતું, જ્યારે નવરંગપુરા પોલિટેકનિક પાસે પંજાબદી મહેક નામની રેસ્ટોરન્ટમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જીવતો અને રસોડામાં ગંદકી જોવા મળી હતી તેમજ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતા તેને સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાંથી 244 કિલો અખાદ્ય ગણાતો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
એએમસીના ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પનીરના નામે એનાલોગ પનીરનું વેચાણ કરનારા તેમજ નાગરિકોને ગેરમાર્ગે દોરનારા લોકો તેમજ બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરનારા સામે કડક કાર્યવાહી કરવા કમિશનરે સુચના આપતા શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના ગોતા વિસ્તારમાં વિશ્વાસ સિટી 6 નામના કોમ્પલેક્ષમાં એક ડેરીમાંથી 140 કિલો અને નરોડા વિસ્તારમાં સુતરના કારખાનાની સામે મધુસૂદન બિઝનેસ હબમાં આવેલી ડેરીમાંથી 104 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 3 એપ્રિલથી 7 એપ્રિલ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી પનીરના 69, દૂધની બનાવટના 52, નોનવેજ પ્રોડક્ટ્સના 25, બેકરી પ્રોડક્ટસના 6, શેરડીના રસના ત્રણ અને અન્ય 29 એમ અલગ અલગ કુલ 188 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા.. 452 ધંધાકીય એકમોમાં તપાસ કરવામાં આવી છે જેમાંથી 235ને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે 199 કિલો અને 318 લિટર અખાતે જથ્થો નાશ કરવામાં આવ્યો છે.


