
દહેગામના ઝાંક ગામે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર
ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જે. એમ. દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્ટેલમાં રહેતા બાળકોની તબિયત લથડી હતી. જે ઘટના બાદ વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાંહતા. સિવિલ સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા મુજબ, હાલમાં તમામ બાળકોની સ્થિતિ સુધારા પર છે અને તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટરે સિવિલમાં બાળકોને મળી તેમના ખબરઅંતર પૂછ્યા
આ ઘટનાને પગલે ચિંતા વ્યક્ત કરતા જિલ્લા કલેકટર મેહુલ કે.દવેએ તાત્કાલિક ગાંધીનગર સિવિલ પહોંચી સારવાર મેળવતા બાળકોની મુલાકાત લઈ તેમના ખબરઅંતર પૂછ્યા હતા તથા સિવિલના ડોક્ટર્સ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બપોરનું ભોજન જમ્યા બાદ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝિંગ જેવી અસર થતા તેમની તબિયત લથડી હતી, જેના પગલે વિદ્યાર્થીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા હતા. કલેકટરની ગાંધીનગર સિવિલ મુલાકાત દરમિયાન પ્રાંત પાર્થ કોટડીયા, જિલ્લા આરોગ્ય અધિકારી એ .જે વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા.આ અંગે મળતી વધુ માહિતી મુજબ, તમામ બાળકોની તબિયત હવે સુધારા પર હોવાનું કહ્યું છે.