અમદાવાદ, 15 જાન્યુઆરી 2026: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોક જઈ રહેલા એક પ્રવાસીની શંકાસ્પદ હીલચાલ જોતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ પ્રવાસીના લગેજની તપાસ કરતા 42 ,06,340ની કિંમતનું વિદેશી ચલણ મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે પ્રવાસીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્રવાસી ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. તેવી બાતમીના આધારે કસ્ટમના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ 13 જાન્યુઆરી, 2026ના રોજ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર ફ્લાઇટ VZ-571 ના એક પ્રવાસીની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મુસાફરે અત્યંત ચાલાકીથી તેના સામાનમાં વિદેશી નોટો છુપાવી હતી. કસ્ટમના અધિકારીઓને પ્રવાસી પાસેથી 1172 વિદેશી ચલણી નોટો મળી આવી હતી. ભારતીય કરન્સી મુજબ 42 લાખની વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં 100 યુએસ ડોલરની નોટો (જેની કિંમત અંદાજે 8,91,000) અને 1072 પાઉન્ડ સ્ટર્લિંગની નોટો (જેની કિંમત અનુક્રમે 12,73,300 અને 20,42,040) મળી આવી છે. આમ, કુલ મળીને 1172 વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી છે, જેની ભારતીય બજારમાં કુલ કિંમત અંદાજે 42,06,340 જેટલી થવા જાય છે.
પ્રવાસી સામે કસ્ટમ્સ અધિનિયમ, 1962 અને FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ), 1999ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમ્સ વિભાગે હાલ તમામ ચલણ જપ્ત કરી લીધું છે અને આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરી છે.
નિયમો મુજબ, કોઈપણ મુસાફરે નિયત મર્યાદાથી વધુ વિદેશી ચલણ લઈ જતા પહેલા કસ્ટમ્સ સમક્ષ તેની જાહેરાત કરવી અનિવાર્ય છે. આ કિસ્સામાં પ્રવાસીએ કોઈ પણ પ્રકારની જાણકારી આપી નહોતી.


