
ભારત અને ઘાના વચ્ચે ચાર મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 વર્ષના લાંબા અંતરાલ બાદ ઘાનાની મુલાકાતે પહોંચ્યા છે, જે બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર કરી રહી છે. આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી અને ઘાનાના રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામા વચ્ચે પ્રતિનિધિ સ્તરની વાતચીત થઈ, જેમાં પરસ્પર હિતો પર ચર્ચા કરવામાં આવી.
આ બેઠક બાદ ભારત અને ઘાના વચ્ચે ચાર મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા. આ કરારોમાં સંસ્કૃતિ ક્ષેત્ર, દ્વિપક્ષીય સહયોગ અને ભાગીદારી વધારવા માટે નિયમિત તંત્ર, વેપાર અને આયુર્વેદ જેવા મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં ઘાનાના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીને ઘાનાનો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ ‘ઓફિસર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાના’ થી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ જોન ડ્રામાની મહામાએ આ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ આ સન્માનને ભારતીય યુવાનોની આકાંક્ષાઓ, તેમના ઉજ્જવળ ભવિષ્ય અને બંને દેશોના ઐતિહાસિક સંબંધોને સમર્પિત કર્યું.
પ્રધાનમંત્રી આજે ઘાનાની સંસદને સંબોધન કરશે. આફ્રિકાની મુલાકાતના બીજા તબક્કામાં, પ્રધાનમંત્રી આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. આ મુલાકાત ભારત અને ઘાના વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવામાં અને ભવિષ્યમાં સહયોગના નવા દ્વાર ખોલવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.