
લખનૌઃ લખીમપુર ખેરીના નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢખેરવા નિઘાસન સ્ટેટ હાઇવે પર હાજરા ફાર્મ પાસે એક કાર શેરડી ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ મિત્રોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પંચર થયેલી ટ્રોલીનું સમારકામ કરી રહેલા એક મિકેનિકનો પણ આ અકસ્માતમાં જીવ ગયો હતો. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
નિઘાસન શહેરના પટેલ નગરના રહેવાસી શિવસાગરે જણાવ્યું કે, તેમનો 22 વર્ષનો પુત્ર દિગ્વિજય રાત્રે તેના મિત્રો સાથે કાર દ્વારા ઢખેરવા જઈ રહ્યો હતો. દરમિયાન માર્ગમાં શેરડીથી ભરેલી બે ટ્રોલીઓ હઝરા ફાર્મ પાસે ઉભી હતી. આ ટ્રોલીની પાછળ મોટરકાર ધડાકાભેર અથડાઈ હતી. આ દૂર્ઘટનામાં સંજય (ઉ.વ. 24), રજનીશ (ઉ.વ. 19) અને સૈફુ (ઉ.વ. 23) ના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
સિંગાહીના રહેવાસી અંસાર (ઉ.વ 26)નામના શ્રમજીવી પંચર થયેલી ટ્રોલીનું સમારકામ કરી રહ્યા હતા. તેઓ પણ અકસ્માતમાં ઘાયલ થયા હતા. જો કે, સારવાર દરમિયાન મોત થયું હતું. કારમાં સવાર દિગ્વિજય (ઉ.વ. 21), અરુણ (ઉ.વ. 19) અને રવિ (ઉ.વ. 24)ને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
નિઘાસનના ચૌધરી પુરવાના દિગ્વિજયના જન્મદિવસની પાર્ટી ઉજવ્યા પછી, કારમાં સવાર યુવાનો તેને મોડી રાત્રે ઘરે છોડવા જઈ રહ્યા હતા. મૃતક રજનીશ, લવકુશ અને સંજય નજીકના મિત્રો હતા. જ્યારે કાર હઝરા ફાર્મ પહોંચી ત્યારે ત્યાં શેરડી ભરેલી ટ્રોલીઓ પાર્ક કરેલી હતી, જેની સાથે કાર અથડાઈ ગઈ હતી. તેમાં પંચર હોવાથી, સિંગાહી મિકેનિક અંસાર તેને રિપેર કરવા આવ્યા હતા.