
ભ્રષ્ટાચારને રોકવા માટે ગ્રામીણ સ્થાનિક એકમોને ફાળવવામાં આવેલા ભંડોળ પર નજર રાખવી જોઈએ: પ્રો. એસ. પી. સિંહ બઘેલ
નવી દિલ્હીઃ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયનાં રાજ્ય મંત્રી પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે નવી દિલ્હીમાં “રાજ્યોની પંચાયતોને હસ્તાંતરણની સ્થિતિ – એક સૂચક પુરાવા આધારિત રેન્કિંગ” શીર્ષક સાથે સંબંધિત અહેવાલનું અનાવરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં પંચાયતી રાજ મંત્રાલયનાં સચિવ શ્રી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયનાં અધિક સચિવ શ્રી સુશીલ કુમાર લોહાની, નીતિ આયોગનાં સલાહકાર શ્રી રાજીવ સિંહ ઠાકુર, પંચાયતી રાજ મંત્રાલયનાં સંયુક્ત સચિવ શ્રી આલોક પ્રેમ નગર તથા મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (આઇઆઇપીએ), નવી દિલ્હીનાં ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
આઇઆઇપીએમાં ભાગ લેનારાઓને સંબોધતા કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બઘેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતના સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સ્થાયી વિકાસ માટે પંચાયત હસ્તાંતરણ સૂચકાંક મહત્ત્વપૂર્ણ છે. તે માત્ર સારું પ્રદર્શન કરનારા રાજ્યોને જ પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ રાજ્ય સરકારોને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવે તેવું વાતાવરણ ઊભું કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. ઉત્તર પ્રદેશની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા, જે અગાઉના સૂચકાંકમાં 15મા ક્રમથી કૂદીને હવે પાંચમા સ્થાને પહોંચી ગયું છે; તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો ઉત્તરપ્રદેશનો વિકાસ થશે, તો દેશનો વિકાસ થશે. તેમણે કહ્યું હતું કે, “મને એ જાહેર કરતાં ગર્વ થાય છે કે ઉત્તરપ્રદેશની સફળતાની ગાથા વિશેષ ઉલ્લેખને પાત્ર છે – તેની 15મા સ્થાનથી 5મા સ્થાન સુધીની છલાંગ ખરેખર નોંધપાત્ર છે. ઉત્તર પ્રદેશ રાજ્યએ નવીન પારદર્શકતા પહેલો અને મજબૂત ભ્રષ્ટાચાર વિરોધી પગલાં દ્વારા તેના જવાબદારીના માળખામાં ક્રાંતિ લાવી છે.” પ્રો.બઘેલે તમામ રાજ્યોને સમાજના કલ્યાણ માટે કેન્દ્ર સરકારની યોજનાઓને સક્રિયપણે અમલમાં મૂકવા વિનંતી કરી.
તેમણે નોંધ્યું હતું કે, પંચાયતોએ સ્થાનિક સ્તરે સંઘર્ષોનું સમાધાન કરવામાં હંમેશા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચાયત ભવનોએ ગ્રામીણ વિકાસ માટેનાં કેન્દ્રો તરીકે સેવા આપવી જોઈએ, કારણ કે તેમાં આયુષ્માન ભારત યોજના અને અન્ય સામાજિક ક્ષેત્રની યોજનાઓ જેવી કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ લાભાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવાની સંભવિતતા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રોફેસર બઘેલે સૂચવ્યું હતું કે, આ પંચાયત ભવનો ગામડાંઓમાં પેન્શન, જન્મ અને મૃત્યુનાં પ્રમાણપત્રો તથા અન્ય મૂળભૂત સુવિધાઓ જેવી આવશ્યક સેવાઓ પ્રદાન કરવાનાં કેન્દ્ર તરીકે કામ કરી શકે છે. પ્રોફેસર એસ. પી. સિંહ બઘેલે કોઈ પણ પ્રકારની નાણાકીય અનિયમિતતા કે ભ્રષ્ટાચારને અટકાવવા માટે ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ફાળવવામાં આવેલા ભંડોળના ઉપયોગ પર નજર રાખવાનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
પંચાયતી રાજ મંત્રાલયના સચિવ શ્રી વિવેક ભારદ્વાજે પોતાના સંબોધનમાં તમામ રાજ્યોને પંચાયતોને સશક્ત બનાવવાની દિશામાં નિર્ણાયક પગલાં લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “આ માત્ર સત્તાઓના હસ્તાંતરણ વિશે નથી; તે આપણી પંચાયતોને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાનિક શાસનનાં જીવંત કેન્દ્રો બનવા સક્ષમ બનાવવા વિશે છે. જે ભારતનાં સંપૂર્ણ, સર્વસમાવેશક અને સ્થાયી વિકાસમાં અસરકારક રીતે પ્રદાન કરી શકે છે.” એમઓપીઆરના સચિવે છેલ્લાં 10 વર્ષમાં પંચાયતી રાજ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂક્યો હતો, જેમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પંચાયત માળખું (ઓફિસ બિલ્ડિંગ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરે), એકાઉન્ટિંગ અને ઓડિટ અને નિયમિત પંચાયત ચૂંટણીઓ યોજવાનો સમાવેશ થાય છે.
આ અહેવાલ પંચાયતી રાજ સંસ્થાઓ (પીઆરઆઈ)ને સશક્ત બનાવવાની દિશામાં ભારતની સફરમાં સીમાચિહ્નરૂપ છે. જે 73મા બંધારણીય સુધારામાં જણાવેલા ‘સ્થાનિક સરકાર’ના વિઝનને સાકાર કરે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રામ સ્વરાજના માધ્યમથી વિકસિત ભારતના વિઝનને આગળ ધપાવે છે. જે મહાત્મા ગાંધીના આત્મનિર્ભર ગ્રામ પ્રજાસત્તાકના સ્વપ્નને પ્રતિબિંબિત કરે છે. આ અહેવાલમાં પંચાયતો દરેક રાજ્યમાં તેમની બંધારણીય ભૂમિકા અદા કરવા માટે કેટલી સારી રીતે સજ્જ છે તેનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે સંપૂર્ણપણે કામ કરવા માટે હજુ પણ જે કામગીરી કરવાની જરૂર છે, તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. પંચાયતોને સત્તાઓ અને સંસાધનોને હસ્તાંતરિત કરવામાં રાજ્યોની એકંદર કામગીરીને માપતા સૂચકાંકોની સાથે-સાથે વિવિધ પરિમાણો અને સૂચકાંકો માટે પેટા-સૂચકાંકોની રચના કરવામાં આવી છે. આ પેટા-સૂચકાંકો દરેક રાજ્યને હસ્તાંતરણના વિવિધ પાસાઓમાં તેનું સાપેક્ષ રેન્કિંગ જોવાની છૂટ આપે છે.