
- શિકારીઓએ 25 કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હતો
- પોલીસને જોઈને શિકારી ગેન્ગ દેશી બંદુક, કાર્ટિસ સહિત હથિયારો છોડીને નાસી ગઈ,
- પોલીસે શિકારીઓનો પીછો કરીને ત્રણ શખ્સોને દબોચી લીધા
ભૂજઃ કચ્છ જિલ્લામાં શિયાળા દરમિયાન દેશ-વિદેશના પક્ષીઓ વિહાર કરવા માટે આવતા હોય છે. યાયાવર પક્ષીઓ અને લુપ્ત થતા પ્રાણીઓના સવર્ધન માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ત્યારે બીજી તરફ નિર્દોષ પક્ષી-પ્રાણીઓના બેફામ શિકારની પ્રવૃતિ કચ્છમાં વકરી રહી છે. ત્યારે અબડાસામાં વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે પોલીસને જોઈને શિકારીઓ નાસી ગયા હતા. પોલીસે સ્થળ પર તપાસ કરતા 22 કૂંજ પક્ષીઓના મૃદેહો અને દેશી બંદુક, કાર્ટીસ, અને છરી-ચપ્પા સહિતના હથિયારો મળી આવ્યા હતા. દરમિયાન પોલીસ અને વન વિભાગના સ્ટાફે શિકારીઓનું પગેરૂ મેળવીને ત્રણ શિકારી શખસોને દબોચી લીધા હતા.
કચ્છમાં યાયાવર પક્ષીઓના સંરક્ષણ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી રહી છે. પરંતુ અસામાજિક તત્વો દ્વારા પક્ષીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. નિરોણા પોલીસને મળેલી બાતમીના આધારે વંગ ગામથી ઉત્તર તરફના કંઝર્વેશન રણ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવતા શિકાર પ્રવૃત્તિ ઝડપાઇ હતી. ઇન્ચાર્જ પીઆઈ એ.એમ.મકવાણાની આગેવાનીમાં કરાયેલી કાર્યવાહીમાં શિકારીઓ ભાગી છૂટ્યા હતા. પરંતુ તેમના વાહનમાંથી 25 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યાં હતા. પોલીસે દેશી બંદૂક, 24 જીવતા કારતૂસ, બે છરી અને એક કુહાડી જપ્ત કરી હતી. નિરોણા પોલીસે જપ્ત કરેલી વસ્તુઓ વન વિભાગને સોંપી હતી. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓ અને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરીને વાહન નંબરના આધારે શોધખોળ કરીને ત્રણ શિકારી શખસોને પકડી પાડ્યા હતા.
આ કેસમાં આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ પણ અબડાસા વિસ્તારમાં વન વિભાગે 22 કુંજ પક્ષીઓના મૃતદેહ સાથે શિકારીઓને પકડ્યા હતા. જિલ્લામાં વધતી શિકારની પ્રવૃત્તિને રોકવા વન વિભાગે વધુ સક્રિય થવાની જરૂર છે તેવી માંગ લોકોમાં ઉઠી છે.