
- ઢોર પકડ પાર્ટીની સુરક્ષા માટે એસઆરપીનો બંદોબસ્ત લેવાશે
- મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીએ ખર્ચની મંજુરી આપી
- બે વર્ષમાં બંદોબસ્ત પાછળ રૂપિયા એક કરોડનો ખર્ચ કરાશે
ગાંધીનગરઃ શહેરમાં રખડતા ઢોર પકડતા મ્યુનિના કર્મચારીઓ પર માલધારીઓ દ્વારા હુમલાના બનાવો બનતા હોય છે. દર વખતે ઢોર પકડ પાર્ટીને પોલીસ રક્ષણ આપવામાં આવતું હોય છે. હવે એસઆરપીના જવાનોની મદદ લેવામાં આવશે. એસઆરપીના બંદોબસ્તનો ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન ઉઠાવશે. એસઆરપીના બંદોબસ્ત પાછળ બે વર્ષમાં કુલ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ખર્ચની આગોતરી મંજૂરી મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી પાસેથી મેળવવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે ત્યારે પશુપાલકો દ્વારા હૂમલો તેમજ કામગીરીમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ થતા હોય છે. આથી ઢોર પકડ પાર્ટીને સુરક્ષા આપવી જરૂરી બને છે. સ્થાનિક પોલીસ મ્યુનિની ઢોર પકડવાની કામગીરીના શિડ્યુઅલ મુજબ બંદોબસ્ત આપી શકે તેમ નહીં હોવાથી એસઆરપીના જવાનોનો પેઇડ બંદોબસ્ત લેવાનો નિર્ણય મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. 1લી જાન્યુઆરીથી ઢોર પકડવાની કામગીરી દરમિયાન જરૂર જણાય ત્યારે એસઆરપી જવાનોનો બંદોબસ્ત લેવાનું શરૂ કરી દેવાયું છે. પેઇડ બંદોબસ્ત હોવાથી જ્યારે પણ એસઆરપી જવાનોની સલામતી વ્યવસ્થા લેવામાં આવે ત્યારે તેના નાણા ચૂકવવાના થતા હોય છે. એસઆરપી જવાનોના બંદોબસ્ત પેટે મહિને 4થી 6 લાખ રૂપિયાની રકમ ચૂકવવા પાત્ર થવાનો અંદાજ છે. આથી વર્ષના 50 લાખ રૂપિયાનો ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન ભોગવશે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2026 સુધી એસઆરપી જવાનોનો પેઇડ બંદોબસ્ત લેવામાં આવશે તેથી આ બે વર્ષમાં અંદાજે 1 કરોડથી પણ વધારે રકમ એસઆરપીને ચૂકવવાનો થશે. આથી આ ખર્ચ સંદર્ભે બે વર્ષ દરમિયાન ચૂકવણું કરવાની અંદાજીત રકમની આગોતરી મંજૂરી મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મેળવી લેવામાં આવી છે. જેથી જ્યારે પણ એસઆરપી તરફથી બિલ રજૂ થાય ત્યારે દરેક વખતે સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી લેવાની જરૂરિયાત ઉપસ્થિત થશે નહીં.