- વાતાવરણમાં ઉઘાડ નીકળતાં ગરબા આયોજકોને રાહત,
- મેદાનમાંથી પંપ દ્વારા પાણી ખેંચવાનો પ્રારંભ,
- અલકાપુરી, ગોત્રી, સમા સહિતના વિસ્તારમાં ફરી પડ્યા ઝાપટાં
વડોદરાઃ શહેરમાં એક સપ્તાહથી ભારે વરસાદને કારણે તમામ ગરબાનાં મેદાનો તળાવમાં ફેરવાઈ જતા ગરબા રસિકો નારાજ થયા હતા. જોકે ગઈકાલે સોમવાથી વાતાવરણમાં ઉઘાડ નીકળતા લોકોને રાહત થઈ હતી. અને આજે મંગળવારથી ગરબાના મેદાનો પરથી પાણી ઉલેચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી ઉલેચાયા બાદ ગરબાના મેદાનો પર ક્વોરી ડસ્ટ અને માટી નાખીને ગ્રાઉન્ડ તૈયાર કરાશે.
વડોદરામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે યુનાઈટેડ વેના ગરબા મેદાનમાં હજુ પણ પાણી ભરાયેલાં છે, જેને કાઢવા આયોજકો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. એકાદ દિવસમાં પાણી ઉલેચાશે. સોમવારે સાંજે 4 વાગે પણ યુનાઈટેડ વેનું મેદાન તળાવ જેવું જ લાગતું હતું. ઉપરાંત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ, વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રી સહિતનાં મેદાનોમાં પણ થોડા અંશે પાણી હતાં. આયોજકોનું માનવું છે કે, જો હવે વરસાદ નહીં પડે તો તા. 3 ઓક્ટોબર પહેલાં ગ્રાઉન્ડ તૈયાર થઈ જશે.
વડોદરામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. પણ સોમવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા, શહેરના પ્રતાપનગર, ગોત્રી, સમા, અલકાપુરી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. જેથી જે વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં હતાં ત્યાં ફરી ભરાયાં હતાં. હવામાન વિભાગની આગાહી મુજબ 5મી સુધી ઝાપટાં વરસશે. સોમવારે મહત્તમ પારો 32.6 ડિગ્રી, લઘુતમ તાપમાનનો પારો 24.2 ડિગ્રી રહ્યો હતો.