સુરત, 11 ફેબ્રુઆરી 2026: શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં રહેતાં દંપતી અને તેમનો 12 વર્ષના પુત્રના ગેસ ગીઝરના ઝેરી ગેસને લીધે મોત નિપજ્યા હતા. ગઈકાલે 10 ફેબ્રુઆરીને મંગળવારે સવારે ઘરમાંથી રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં ત્રણેયના મૃતદેહ મળ્યાં હતાં. ત્રણેયના પ્રાથમિક દૃષ્ટિએ ગેસ-ગીઝરમાંથી નીકળેલો કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગુંગળામણને કારણે મોત થયાં હોવાનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર તબીબે જણાવ્યું હતું.
આ બનાવની વિગત એવી હતી કે, સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા ખાતે આવેલી સોય શેરીમાં આવેલી સૈયદ મંઝિલમાં ત્રીજા માળે રહેતા 41 વર્ષીય ફૈઝ અહેમદ યુસુફ સૈયદ, તેમની 37 વર્ષીય પત્ની મુબીનાબાનુ અને તેમનો 12 વર્ષનો પુત્ર નોમાન ઉર્ફે નોનુ સોમવાર રાત્રે ઘરમાં રૂમમાં સુઇ ગયા હતા. મંગળવારે સવારે ફૈઝને મોટા ભાઈ ઉસ્માન સૈયદએ સ્કૂલ પર પુત્રને લઈ જવા માટે ઘણા ફોન કરવા છતાં કોલ ઉપાડયો નહતો. જેથી તે ઘરે ગયો ત્યારે તેમનો દરવાજો અંદરથી બંધ હતો. ઉસ્માને દરવાજો તોડીને અંદર ગયો ત્યારે બેડરૂમમાં દંપતી અને હોલમાંથી બાળક નોમાન મૃત હાલતમાં જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો. સૈયદ પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાની જાણ સ્થાનિક લાલગેટ પોલીસને થતા પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે એફએસએલની ટીમ પણ સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. બાદમાં ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ત્રણેયના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયા બાદ ફોરેન્સિક મેડીસીન વિભાગના ડો. સંદિપ રલોતીએ કહ્યું કે, પ્રાથમિક દૃષ્ટીએ ગીઝરમાંથી ગેસ ગળતર હોઇ શકે. કાર્બનમોનોકસાઇડ શ્વાસમાં જવાથી ગૂંગળામણના લીધે ત્રણેયનું મોત થયું હોય એવુ પ્રાથમિક દૃષ્ટીએ લાગી રહ્યું છે. જ્યારે મૃતકોના શરીરમાંથી ઝેરી દવા જેવા કોઇ અંશો મળ્યા નથી.( File photo)


