જુનાગઢ, 9 ફેબ્રુઆરી 2026: શહેરમાં ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથમાં દર વર્ષે શિવરાત્રિનો મહામેળો યોજાઈ છે. આ વખતે 5 દિવસીય મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તા.11મી ફેબ્રુઆરીને બુધવારથી થશે. આ મહામેળા માટે તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ ગિરનારની ટુક પર રોપવેમાં જઈ શકે તે માટે રોપ-વેના સંચાલકોએ ટિકિટના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
જુનાગઢમાં શિવરાત્રિના મહા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. ગિરનાર રોપ-વે મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, રોપ-વેની ટિકિટના ભાવમાં રૂ.69નો ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે ટિકિટનો દર રૂ. 699 હતો, તે હવે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માત્ર રૂ. 630માં ઉપલબ્ધ થશે. આ રાહત દરનો કારણે 11થી 15 ફેબ્રુઆરી સુધી સામાન્ય શ્રદ્ધાળુઓના અમલ કરાશે. આ સમયગાળા દરમિયાન મેળામાં આવતા હજારો ભક્તો આ સુવિધાનો લાભ લઈ શકશે.
મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનારની સીડીઓ ચઢવામાં અસમર્થ એવા વૃદ્ધો અને બાળકો માટે રોપ-વે આશીર્વાદ સમાન છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ લોકહિતના નિર્ણયથી શ્રદ્ધાળુઓને ફાયદો થશે. ગિરનાર તળેટીમાં જ્યારથી રોપ-વે સેવા શરૂ થઈ છે, ત્યારથી ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં વધારો થતો જાય છે. રોપ-વેની આશરે 10 મિનિટની સફર પ્રવાસીઓ માટે રોમાંચક બની રહી છે. પ્રવાસીઓ ઊંચાઈએથી પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય માણવા ગિરનાર આવી રહ્યા છે.


