
- કુવૈતથી બદામના પેકેટમાં 167.100 ગ્રામ સોનું સંતાડીને લવાયું હતું
- પ્રવાસીનો લગેજ સ્કેન કરતા ભાંડો ફુટ્યો
- એર ઈન્ટેલિજન્સ યુનિટે સોનાનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદઃ સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં દૂબઈ અને કુવૈતથી આવતા કેટલાક પ્રવાસીઓ દાણચોરીનું સોનું લઈને આવતા હોય છે. ત્યારે શહેરના સરદાર પટેલ એરપોર્ટ પર એર ઈન્ટેલિજન્સ યુનિટે કુવૈતથી આવેલા એક પેસેન્જર પાસેથી 16 લાખની કિંમતનું 167.100 ગ્રામ વજનનું સોનાનું જપ્ત કર્યું હતું. પેસેન્જરે સોનું બદામના પેકેટમાં સંતાડ્યું હતું.
સોનાના સતત વધી રહેલા ભાવના કારણે સોનાની દાણચોરીના કિસ્સામાં વધારો થયો છે. મુસાફરો પણ ગલ્ફ દેશમાં ફરવા જાય તો પોતાની સાથે 24 કેરેટ ગોલ્ડ લઇને આવતા હોય છે અને કસ્ટમ ડ્યુટી બચાવવા સોનાને સંતાડવા નવા નવા નુસખા અપનાવતા હોય છે. છેલ્લા મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ પરથી અવારનવાર સોનું પકડાતું હોય છે. ત્યારે કસ્ટમ વિભાગ અને ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા પ્રવાસીઓ પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે.
અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર સવારે ફ્લાઈટ નં. 6E 1244 કુવૈતથી અમદાવાદ આવી હતી. અને આ ફ્લાઈટના પ્રવાસીઓની તપાસ ચાલતી હતી. ત્યારે કસ્ટમ વિભાગે શંકાસ્પદ હલચલના આધારે એક પ્રવાસીને અટકાવીને તેની પૂછપરછ કરતા તેના લગેજના સ્કેનિંગ અને વિગતવાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે એક બદામના પેકેટમાં એક સોનાની બાર છૂપાવી હતી, જેને પીળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં લપેટવામાં આવ્યું હતું. કસ્ટમ વિભાગે તપાસ કરતા 24 કેરેટ 167.100 ગ્રામ વજનનું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.