1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનગરમાં 20 પેઢીઓ પર જીએસટી વિભાગે પાડ્યા દરોડા, 80 કરોડની કરચોરી પકડાઈ
જામનગરમાં 20 પેઢીઓ પર જીએસટી વિભાગે પાડ્યા દરોડા, 80 કરોડની કરચોરી પકડાઈ

જામનગરમાં 20 પેઢીઓ પર જીએસટી વિભાગે પાડ્યા દરોડા, 80 કરોડની કરચોરી પકડાઈ

0
Social Share
  • સ્ટેટ જીએસટીના અધિકારીઓએ 22થી વધુ સ્થળોએ સર્ચ કર્યુ,
  • દિવાળીના ટાણે જ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ,
  • કેટલીક પેઢીના દસ્તાવેજો તપાસ માટે જપ્ત કરાયા

જામનગરઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વેપારીઓ પોતાના ધંધામાં વ્યસ્થ બન્યા છે. ત્યારે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગર શહેરમાં જુદી જુદી 20 જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને 22થી વધુ સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સવારથી હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહીને પગલે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામ્યો છે. આ દરોડામાં 80 કરોડથી વધુની કરચોરી પકડાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, એટલું જ નહીં પરંતુ આ દરોડામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની પણ સંક્રિય ભૂમિકા હોવાનું કહેવાય છે.

સ્ટેટ GST વિભાગને મળેલી માહિતીના આધારે વિભાગ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું. રિસર્ચ બાદ પ્રાપ્ત થયેલી વિગતોને ધ્યાનમાં લઈને શનિવારે સવારે અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરના સ્ટેટ GST વિભાગના અધિકારીઓએ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલી જામનગરની 20 જેટલી પેઢીઓ પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન જામનગરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની સક્રિય ભૂમિકા હોવાનું પણ કહેવાય છે. પ્રાથમિક તપાસમાં આ પેઢીઓ દ્વારા 80 કરોડથી વધુની રકમની કરચોરી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ દરોડામાં કબજે કરાયેલા દસ્તાવેજોની ચકાસણી દરમિયાન આ કરચોરીનો આંકડો વધવાની શક્યતા રહેલી છે.

સૂત્રોના કહેવા મુજબ સ્ટેટ GST વિભાગ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં અલગ અલગ બિઝનેસના વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ક્લાઈન્ટ છે અને CA દ્વારા કૌભાંડ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જેને લઇને કઈ રીતે સમગ્ર કૌભાંડને આખરી ઓપ આપવામાં આવતો હતો તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. બિલિંગ મારફતે આ કૌભાંડ કરવામાં આવતું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code