
ફેફ્સાના કેન્સરની સારવાર માટે ગુજરાત બન્યું રાષ્ટ્રીય કેન્દ્ર
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. અમદાવાદ સ્થિત ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યની આ પ્રતિબદ્ધતાનું કેન્દ્ર બન્યું છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાનું કેન્સર ધરાવતા હજારો દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી છે. ગુજરાતની સ્વાસ્થ્ય સેવાઓમાં નવીનતા અને સશક્ત પહેલો માત્ર રાજ્યને જ નહીં, પરંતુ સમગ્ર દેશને એક મજબૂત અને સ્વસ્થ સમાજ તરફ લઈ જશે.
ગુજરાત સરકારનું લક્ષ્ય રાજ્યને વૈશ્વિક સ્તરે મેડિકલ સર્વિસિઝ માટેનું શ્રેષ્ઠ કેન્દ્ર બનાવવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને રાજ્યની આરોગ્ય નીતિઓના અસરકારક અમલીકરણના પરિણામે, છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરની સારવાર માટે દર્દીઓ ગુજરાતને પ્રાથમિકતા આપી રહ્યા છે.2020થી 2024 દરમિયાન અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ખાતે કુલ 4,397 ફેફસાના કેન્સરના દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં 3,597 પુરુષો, 799 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. વર્ષવાર આંકડાઓની વાત કરીએ તો રાજ્યમાં 2020માં 700, 2021માં 813, 2022માં 865, 2023માં 933 અને વર્ષ 2024માં સૌથી વધુ 1086 દર્દીઓએ ફેફસાના કેન્સરની સારવાર લીધી હતી.
ગુજરાતમાં ફેફસાના કેન્સરની સારવારને સુલભ બનાવવામાં PMJAY-MA યોજના સાચી જીવનરેખા સાબિત થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના હેઠળ ગુજરાતના દર્દીઓને અદ્યતન સારવાર ઉપલબ્ધ થવાથી ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગને મોટી રાહત મળી છે. આ પહેલથી સારવારમાં આવતા નાણાકીય અવરોધો તો ઓછા થયા છે, સાથે સમયસર તબીબી સુવિધા મળવાથી ઘણા લોકોને નવું જીવન મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, દેશના અન્ય રાજ્યોથી આવેલા 1426 ફેફસાના કેન્સરના દર્દીઓને પણ ગુજરાતમાં ઉપલબ્ધ અત્યાધુનિક તબીબી સુવિધાઓને કારણે જીવનદાન મળ્યું છે. આનાથી એ સાબિત થાય છે કે ગુજરાત માત્ર રાજ્યના નાગરિકો માટે જ નહીં, પરંતુ દેશભરના દર્દીઓ માટે એક વિશ્વસનીય મેડિકલ સેન્ટર તરીકે ઊભર્યું છે.
વર્લ્ડ લંગ કેન્સર ડે (વિશ્વ ફેફસાના કેન્સર દિવસ) પર GCRIએ લોકોને ફેફસાના કેન્સરથી બચવા માટે સમયસર તપાસ અને સારવાર માટે સક્રિય પગલાં લેવાની અપીલ કરી છે. સંસ્થાએ ચેતવણી આપી હતી કે જાગૃતિના અભાવે ભારતમાં 40%થી વધુ કેસ સમયસર સામે નથી આવતા, જેના કારણે સારવારમાં મુશ્કેલી વધી જાય છે. સંસ્થાએ ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ, ખાસ કરીને લાંબા સમયથી ધૂમ્રપાન કરનારાઓ અને પ્રદૂષકોના સંપર્કમાં આવતા લોકોને લૉ-ડોઝ સીટી સ્કેન કરાવવા વિનંતી કરી છે. નિષ્ણાતો માને છે કે, વહેલા નિદાન અને તાત્કાલિક સારવાર આ રોગ સામે સૌથી અસરકારક પગલાં છે.GCRIના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે , “ફેફસાના કેન્સર સામે સૌથી મોટું શસ્ત્ર જાગૃતિ છે. સમયસર તપાસ, તમાકુનો ત્યાગ અને પ્રારંભિક ચેતવણી સંકેતોની ઓળખ અનેક જિંદગીઓ બચાવી શકે છે. અમે દરેક દર્દીને અત્યાધુનિક નિદાન અને સર્વાંગી સંભાળ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.”
મજબૂત સ્વાસ્થ્ય સેવાઓ અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓ સાથે ગુજરાત માત્ર દેશનું જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મેડિકલ ટુરિઝમનું ઊભરતું કેન્દ્ર બન્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર સાયબરનાઇફ, ટ્રુ બીમ લીનિયર એક્સિલરેટર, ટોમોથેરેપી અને રોબોટિક સર્જરી જેવી અદ્યતન તકનીકો અને નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ (NGS), PET-CT, PSMA સ્કેન અને 3 ટેસ્લા MRI જેવા હાઈ-રિઝોલ્યુશન ઉપકરણોના માધ્યમથી કેન્સરની સારવાર આપી રહી છે.