
શહેરી વિસ્તારોમાં પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે વનવિભાગે એક નવતર પગલું ભર્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી, સુરતમાં પ્રથમ ‘નગરવન’ વિકસાવવામાં આવ્યું છે. ડુમસ બીચ નજીક 4.50 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ નગરવન રૂ.1.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ નગરવનના કારણે સુરતવાસીઓને કુદરત સાથે જોડાવા માટે એક અનોખી તક મળી છે.
મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું
ડુમસ દરિયાકિનારે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને આ નગરવન બનાવવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રજાતિઓના 5.5 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ નગરવનમાં સાઉથ અમેરિકા અને આફ્રિકાના એક્ઝોટિક બર્ડ્સ પણ જોવા મળશે. અહીં મરીન લાઈફનો પરિચય કરાવવા માટે એક્વેરિયમ પણ બનાવવામાં આવ્યું છે.
વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે
અહીં સ્થાનિક સમુદાયને રોજગારી પૂરી પાડવા માટે લોકલ હેન્ડીક્રાફ્ટ બજાર પણ બનાવાયું છે. નગરવનને સંપૂર્ણ પ્લાસ્ટિકમુક્ત વિસ્તાર તરીકે વિકસાવાયું છે. લોકોમાં આ વિસ્તારનું મહત્ત્વ વધે અને તેની જાળવણી જાતે કરે તે માટે નગરવનમાં એન્ટ્રી ફી પણ રાખવામાં આવી છે. આ પહેલ ફક્ત મનોરંજન માટે નથી, પરંતુ શહેરી લોકોને વન અને પર્યાવરણની નજીક લાવવા એક નોંધપાત્ર પ્રયાસ પણ છે.