રાજકોટ, 06 માર્ચ 2026: Gujarat Gas Company cuts PNG supply ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલિયમ જથ્થાના સપ્લાય પર અસર પડી રહી છે. ભારતમાં પેટ્રોલ- ડીઝલ પર ખાસ અસર હજુ દેખાતી નથી પણ નેચરલ ગેસનો સપ્લાય ઘટી જતા ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને પૂરા પાડવામાં આવતા PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ના પુરવઠામાં તાત્કાલિક અસરથી 50 ટકાનો જંગી કાપ મૂકી દેવામાં આવ્યો છે. જેથી મોરબીનો સિરામિક ઉદ્યોગ સહિત અનેક ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ગુજરાતના મોરબી સ્થિત વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર જોવા મળી રહી છે. યુદ્ધને કારણે પ્રોપેન ગેસની આયાત અને સપ્લાય ચેઈન ખોરવાઈ જતાં મોરબીના પ્રોપેન ગેસ આધારિત સિરામિક યુનિટો ક્રમશઃ બંધ થઈ રહ્યા છે ગુજરાત ગેસના આ અચાનક નિર્ણયથી ઉદ્યોગો માટે અગાઉથી લીધેલા દેશ-વિદેશના ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે આ કાપ તેમના ઉત્પાદન પર વિપરીત અસર પાડશે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઘણા ઉદ્યોગોને તો પોતાનું ઉત્પાદન જ બંધ કરવાની નોબત આવી છે.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, પ્રોપેન ગેસ સપ્લાય કરતી કંપનીઓ પાસે જ સ્ટોક ન હોવાથી છેલ્લા બે દિવસમાં 100 કારખાના બંધ થયા છે. જો સ્થિતિ આવી જ રહી તો આગામી દિવસોમાં આ આંકડો 450 સુધી પહોંચી શકે છે. હાલમાં તૈયાર માલનું એક્સપોર્ટ અટકેલું છે અને પેમેન્ટ પણ ફસાયેલા છે, જેના કારણે ઉદ્યોગકારો ચારેબાજુથી ભીંસમાં મુકાયા છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં આશરે 4 લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી મેળવે છે. દરેક કારખાનામાં શ્રમિકોની સંખ્યા અલગ-અલગ (સરેરાશ 250થી 300) હોય છે. કારખાના બંધ થતાં શ્રમિકોની આવક અટકી છે, પરંતુ તેમને ભૂખ્યા ન રહેવું પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.


