1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા
ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા

ખ્યાતિકાંડ બાદ ગુજરાત સરકાર જાગી, PMJAYની ક્ષતિઓ દૂર કરવા નવા નિયમો બનાવાયા

0
Social Share
  • કેન્દ્ર સરકાર પણ હવે પોર્ટલ પર સુધારો કરશે,
  • એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીમાં હવે પુરાવારૂપે સીડી આપવી પડશે,
  • ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર જ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.

 

ગાંધીનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સરકારે  40 દિવસ બાદ જાગીને PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ નવી SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જાહેર કરી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.65 કરોડ લાભાર્થીઓએ 900થી વધુ ખાનગી અને 1500થી વધુ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી છે. આ યોજનાનો ઉઠેલી ફરિયાદોના કારણે આરોગ્ય વિભાગે 2024થી અત્યાર સુધીમાં આપણે 10થી વધારે હોસ્પિટલ સસ્પેન્ડ કરીને દંડની કાર્યવાહી કરી છે.

ગુજરાત સરકારે PMJAY યોજનામાં નવી SOP જાહેર કરી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે.

મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે, PMJAY યોજના હેઠળ મહત્ત્વની ચાર પ્રકારની સારવાર છે તેમાં એસઓપી નક્કી કરી છે. આપણે કાર્ડિયોલોજીની સેવાઓમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિઓ થોરાસિસ્ટ સર્જન સાથે કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલટન્ટ માટે માન્યતા પ્રાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત હોસ્પિટલોને પણ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પણ આવશ્યક છે. હોસ્પિટલોને એન્જિયોપ્લાસ્ટિ સીડી બનાવવી અને આપવી પણ ફરજિયાત કરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય તેવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે.

આ સાથે આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે, કેન્સરની સારવારમાં સુધારો કરવામાં આવ્યો છે. કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓનકોલોજિસ્ટ, સર્જીકલ ઓનકોલોજિસ્ટ અને રેડિયેશન ઓનકોલોજીસ્ટની સયુંકત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય દરદીની ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડીયેશન થેરાપીમાં સારવાર પેકેજની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યુ કે, મહિલાઓમાં જોવામાં આવતા ગર્ભાશય, યોનીમુખના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ pm jay યોજના અંતર્ગત સારવાર આપવામાં આવશે.

આરોગ્ય મંત્રીએ કહ્યુ હતું કે,  ઓર્થોપેડિક અને પોલીટ્રોમા કેસોમાં 30% નો ફરજિયાત રેશિયો ન પાળવા પર 9 મહિના પછી હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવશે. 75 હોસ્પિટલો પર TKR અને THR અંતર્ગત રૂ. 3.51 કરોડની પેનલ્ટી લાગુ કરાઈ છે. નિયોનેટલ કેર ખાસ કરીને બાળકોને આઈસીયુમાં સારવારમાં પણ સુધારો કરાયો છે. Nicu /sncuમાં માતાની પ્રાયવસી સચવાય તે માટે cctv લગાવવામાં આવશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ SHA ને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. બાળકોની સારવાર માટે ફૂલટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત કરવામાં આવશે. પિડીયાટ્રીક હોસ્પિટલ માટે ધારા ધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે. અંતમાં તેમણે જણાવ્યુ છે કે, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટની રચના કરવામાં આવી છે જે ગેરવહીવટ અંગે ચકાસણી કરી સરકારને રિપોર્ટ આપશે. CDHO દર મહિને 2 હોસ્પિટલોની ઓડિટ કરશે અને ફિલ્ડ ઓડિટ દૈનિક બેથી ત્રણ ટકાના કેસોનું વિતરણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code