
- 2027-28માં બાળક 89,000 રૂપિયાના દેવા સાથે જન્મશેઃ અમિત ચાવડા
- વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ ગુજરાતનું દેવું 3,99,633 કરોડ રૂપિયાએ પહોચ્યુ
- વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ રૂપિયા થશે
ગાંધીનગરઃ ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની જે 6 કરોડની જનતા છે, એના માથા પર પણ દિવસેને દિવસે દેવું વધતું જાય છે. ગુજરાત સરકારે જે આંકડા રજૂ કર્યા છે એ મુજબ વર્ષ 2023-24 માં જાહેર દેવું 3,77,962 કરોડ રૂપિયા છે એજ પ્રમાણે વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું દેવું 3,99,633 કરોડ રૂપિયા થયું છે. જો 6 કરોડની વસતી ગણીએ તે મુજબ પ્રતિ વ્યક્તિ 66,000 દેવું આજે ગુજરાતના દરેક વ્યક્તિના નામે અને નવા જન્મ લેનાર બાળકનાં માથે છે. એજ રીતે વર્ષ 2025-26નો અંદાજ રજૂ થયો એ મુજબ અંદાજ વધીને 4,55,537 કરોડ રૂપિયા થશે, આગામી ત્રણ વર્ષનો અંદાજ જોઈએ તો વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651 કરોડ રૂપિયા થશે તેમ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2026-27નો અંદાજ પ્રમાણે દેવું 5,38,651 કરોડ રૂપિયા થશે, એટલે ત્રણ વર્ષ પછી બાળક જન્મ લશે તેંને માથે વર્ષ 2027-28 ના વર્ષમાં દેવું વધીને 89,000 પહોંચશે. એટલે ઉત્સવો, તાયફા, પોતાના માનીતાઓને લાભ કરાવવા જે દેવું વધી રહ્યું છે, તે બજારમાંથી લોનો લેવાઈ રહી છે.
તેમણે કહ્યુ કે, આજે વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જવાબ આપ્યા છે એ મુજબ છેલ્લા બે વર્ષમાં જે બજારમાંથી રાજ્ય સરકારે લોન લીધી એ નાણાંકીય સંસ્થાની લોન લેવામાં આવી છે અને કેન્દ્રીય દેવું છે. ખાલી બજારમાંથી લેવામાં આવેલ લોનનો આંકડો જોઈએ તો છેલ્લા બે વર્ષમાં લગભગ 94,000 કરોડની લોન બજારમાંથી લેવામાં આવી છે, એનો સ્પષ્ટ મતલબ છે કે દિવસે દિવસે સરકાર દેવું વધારી રહી છે. સરકારની ખોટી નીતિઓને કારણે દેવું વધી રહ્યું છે અને રાજ્યના દરેક વ્યક્તિના માથે દેવું વધી રહ્યું છે એવી નાણાંકીય વ્યવસ્થા આ સરકારે ઊભી કરી છે જે આવનાર દિવસોમાં આપણાં સૌના માટે ખૂબ ચિંતા જનક બાબત છે.