
- પોલીસે હાઈકોર્ટના ગેટ બંધ કરીને ચેકિંગ કર્યું,
- પોલીસે ચેકિંગ માટે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની પણ મદદ લીધી,
- પોલીસે ઈ-મેઈલ મોકલનારાની તપાસ હાથ ધરી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો હાઈકોર્ટ દોડી ગયો હતો પોલીસે હાઇકોર્ટના ગેટ બંધ કરી સઘન ચેકિંગ હાથ ધર્યું હતુ. ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું. હાઇકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેની હેઠળ SRPની બે કંપની તથા ટેક્નિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યાં છે
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો છે. પોલીસને જાણ કરતાં પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ અંગે ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-મેલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાઇકોર્ટના રજિસ્ટારના મેઇલ આઇડી પર મેઇલ આવ્યો હતો. આજે સવારે ઇમેઇલ આવતા પોલીસ દ્વારા સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી. ગેટ નંબર-5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટમાં પ્રવેશતાં વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. હાઇકોર્ટનાં તમામ બિલ્ડિંગ્સમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અત્યારસુધી કંઈ મળી આવ્યું નથી. ગમે એટલો સમય લાગે, પણ અઘટિત ઘટના ન બને એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.