
- કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા સ્થાને
- રાજ્યમાં કોરોનાના 83 એકટિવ કેસ છે
- છેલ્લા એક અઠવાડિામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનોના કેસમાં ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ કોરોનાના 83 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે. જોકે, હજુ સુધી કોઈ મોત નોંધાયું નથી. રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત તમામ સરકારી હોસ્પિટલોમાં અલગ વોર્ડ તૈયાર કરી દીધા છે. તેમજ કોરોના સામે લોકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં હાલ કોરોનાના 83 એક્ટિવ કેસ છે. એક જ અઠવાડિયામાં કોરોનાના એક્ટિવ કેસમાં 76નો વધારો થયો છે ગઈ તા. 19 મેના દિવસે ગુજરાતમાં કોરોનાના 7 એક્ટિવ કેસ હતા. આમ, છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિામાં 14 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. વધુ રાહતની વાત એ પણ છે કે, કોરોનાથી હજુ સુધી એકપણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં કોરોનાના મોટાભાગના દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
સૂત્રોના કહેવા મુજબ કોવિડ પોઝિટિવ વ્યક્તિના સેમ્પલ ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં જીનોમ સિકવન્સ માટે મોકલવામાં આવે છે. જેના આધારે નવા વેરિયન્ટના લક્ષણ છે કે નહીં તે ચકાસણી કરાય છે. હાલની સ્થિતિએ નવા વેરિયન્ટનો હજુ 1 કેસ નોંધાયો છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત ચોથા સ્થાને છે.