
ભારતની રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં રેકોર્ડ બ્રેક વધારો, 5 વર્ષમાં 90 ટકાની વધી
નવી દિલ્હીઃ ભારતએ રક્ષા ઉત્પાદન ક્ષેત્રમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા ઉત્પાદન ₹1,50,590 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે, જે 2023-24ના ₹1.27 લાખ કરોડની સરખામણીએ 18% વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2019-20માં આ આંકડો ₹79,071 કરોડ હતો, એટલે કે પાંચ વર્ષમાં 90%નો ઉછાળો નોંધાયો છે. રક્ષા પ્રધાન રાજનાથસિંહે શનિવારે આ ઐતિહાસિક સિદ્ધિની માહિતી આપી હતી. રાજનાથસિંહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતનું રક્ષા ઉત્પાદન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે, જે દેશના મજબૂત થતા રક્ષા ઔદ્યોગિક આધારનો પુરાવો છે. તેમણે રક્ષા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓ અને ખાનગી ઉદ્યોગોના સામૂહિક પ્રયત્નોની પ્રશંસા કરી.
રક્ષા મંત્રાલય મુજબ, રક્ષા ક્ષેત્રના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (DPSU) અને અન્ય જાહેર ક્ષેત્રના ઉપક્રમોનું કુલ ઉત્પાદનમાં આશરે 77% યોગદાન રહ્યું, જ્યારે ખાનગી ક્ષેત્રનું યોગદાન 23% રહ્યું. 2023-24માં ખાનગી ક્ષેત્રની ભાગીદારી 21% હતી, જે 2024-25માં વધીને 23% થઈ છે, જે દેશના રક્ષા ઈકોસિસ્ટમમાં ખાનગી ક્ષેત્રની વધતી ભૂમિકા દર્શાવે છે. આ સિદ્ધિ ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ રક્ષા ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા ભારત સરકારના પ્રયત્નોની સફળતા દર્શાવે છે. ભારત આયાત પરની નિર્ભરતા ઘટાડીને, દેશની અંદર મજબૂત રક્ષા ઔદ્યોગિક માળખું ઊભું કરવા પ્રતિબદ્ધ છે, જે માત્ર ઘરેલુ જરૂરિયાતો પૂરું કરશે નહીં, પરંતુ નિકાસ ક્ષમતા પણ મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે રક્ષા નિકાસમાં પણ દેશે નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં રક્ષા નિકાસ વધીને ₹23,622 કરોડના સ્તરે પહોંચ્યો છે, જે 2023-24ના ₹21,083 કરોડની સરખામણીએ ₹2,539 કરોડ (12.04%) વધુ છે.