
- પોલીસ પ્રોટેક્શન સાથે જ્ઞાન પ્રકાશ સ્વામી વિરપુર પહોંચ્યા,
- બાપા સમક્ષ માફી માગ્યા બાદ પાછલા દરવાજેથી રવાના થયા
- વડતાલ સંસ્થાને પણ સ્વામી જ્ઞાન પ્રકાશના વિધાનને વખોડી કાઢ્યુ
અમદાવાદઃ સ્વામિ નારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભારે વિરોધ ઊભો થયો હતો. વિરોધને પગલે તેમણે તરત જ માફી માગી લીધી હતી. પણ રઘુવંશી સમાજે અને બાપાના ભક્તોએ જ્ઞાન પ્રકાશ સ્વામીને વિરપુર આવીને માફી માગવાનો આગ્રહ કર્યો હતો. તેથી જ્ઞાન પ્રકાશ સ્વામી આજે પોલીસ પ્રોટેક્શન સાથે વિરપુર જલારામ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓ ત્યાંથી તુરંત માફી માંગીને પાછળના દરવાજેથી રવાના પણ થઈ ગયા હતા. જોકે તેમણે આપેલા નિવેદનને લઈને રઘુવંશી સમાજ અને જલારામ બાપાના ભક્તોમાં હજુ રોષનો માહોલ ફેલાયેલો છે.
સ્વામિનારાયણ સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલી જલારામબાપા વિશે ટિપ્પણીનો મામલે આખરે સ્વામિનારાયણ સંત ઝૂક્યા છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામબાપા વિશે ટિપ્પણી બાદ લોહાણા સમાજમાં આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયોથી માફી માંગી હતી, પણ લોહાણા સમાજ માન્યો ન હતો. ત્યારે આજે સ્વામી જ્ઞાનપ્રકાશએ વીરપુર જઈને માફી માંગી છે.
સ્વામી જ્ઞાન પ્રકાશએ જલારામ બાપા વિશે ટિપ્પણી કર્યા બાદ રઘુવંશી સમાજ, જલારામ બાપાના ભક્તો તેમજ વીરપુરમાં ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. સ્વામીએ વીડિયો બનાવી માફી માગ્યા બાદ પણ આક્રોશ યથાવત હતો. તેથી સ્વામી જ્ઞાન પ્રકાશ જલારામબાપાના મંદિરે આવી માફી માંગી છે. લોહાણા સમાજની માગ હતી કે, સ્વામી વીરપુર આવી માફી માંગે. ત્યારે સ્વામીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર આવ્યા હતા. કાળા કાચ સાથેની ગાડીમાં સ્વામીને વીરપુર લાવવામાં આવ્યા હતા. જોકે, જ્ઞાન પ્રકાશ સ્વામી મીડિયા સામે નિવેદન આપવાથી ભાગ્યા હતા. દરમિયાન વડતાલે સ્વામીની આ હરકત સામે હાથ ઉંચા કરી લીધા. શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા એક પરિપત્ર જાહેર કરીને તેમાં કહેવાયું કે, જય શ્રી સ્વામિનારાયણ સહ જણાવવાનું કે, પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહિ પરંતુ દેશ વિદેશમાં પ્રસરેલા હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે.. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે.. વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્યશ્રી જલારામ બાપા વિષે જે નિવેદન કરવામાં આવ્યું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ..