 
                                    - આમ આદમી પાર્ટીના ઉપક્રમે સાયલામાં ખેડૂત મહા પંચાયત યોજાઈ,
- કેજરિવાલ અને ભગવંત માને ભાજપ સરકાર પર કર્યા પ્રહારો,
- વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની ઝાડા થઈ ગયા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના વાંટાવચ્છ ગામમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરાયુ હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના પ્રશ્ને ભાજપ સરકાર સામે પ્રહાર કર્યા હતા. કેરજિવાલે કહ્યુ હતું કે, ભાજપના હાઈકમાન્ડે ભૂપેન્દ્ર પટેલને સીએમથી ડમી સીએમ બનાવી દીધા છે, પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી, હર્ષ સંઘવી આખી સરકાર ચલાવે છે. એટલે હર્ષ સંઘવી સુપર સીએમ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વાટાંવચ્છ ગામે આમ આદમી પાર્ટીના ઉપક્રમે ખેડૂતોની આજે મહા પંચાયત યોજવામાં આવી હતી. જેમાં કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચારના અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી રહી હતી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના વિવિધ પ્રશ્નનો મુદ્દે ગુજરાતની ભાજપ સરકારને ઘેરી હતી.
આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ આ મહાપંચાયત યોજાઈ હતી. જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ અંગે અને બોટાદમાં ખેડૂતોને જેલમાં પુરવા જેવી અનેક બાબતો પર સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, બોટાદમાં હર્ષ સંઘવીના ઇશારે પોલીસે ખેડૂતોને માર માર્યો એટલે ભાજપે સંઘવીને ઇમાન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા અને પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દીધા. હવે ગુજરાતમાં સંઘવી ‘સુપર સીએમ’ છે.
અરવિંદ કેજરીવાલે ખેડૂતોને સંબોધતા કહ્યુ હતું કે, પંજાબમાં પૂર આવ્યું ત્યારે પંજાબ સરકારે એક મહિનામાં જ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં 50-50 હજાર જમા કરાવ્યા હતા. પરંતું અહીની સરકાર માત્ર સર્વે કરીને સંતોષ માને છે. ખેડૂતોની આશા પર આ સરકાર પાણી ફેરવી રહી છે.
અરવિંદ કેજરીવાલે ભાજપ સામે પ્રહાર કરતા જણાવ્યુ હતું કે, વિસાવદરમાં અમારા ગોપાલ ઇટાલિયા જીત્યા તો ભાજપની પેન્ટ ભીની થઇ ગઇ અને મંત્રીમંડળ બદલી દીધું. ભૂપેન્દ્ર પટેલને સીએમથી ડમી સીએમ બનાવી દીધા. પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલનું કંઇ ચાલતું નથી, હર્ષ સંઘવી આખી સરકાર ચલાવે છે. ભાજપ-કોંગ્રેસ પતિ-પત્નીની જેમ સંબંધ સાચવે છે, કારણ કે એમના ગોરખધંધા બંધ થઇ જાય. કોંગ્રેસના નેતાઓ ક્યારેય જેલમાં નથી જતા માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ જ જેલમાં જાય છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

