
- હર્ષિતાએ ઊર્મિ સ્કૂલમાં ધો.10 સુધી અને ન્યૂ ઇરામાં ધો.11-12નો અભ્યાસ કર્યો હતો
- પાદરા કોલેજ કોમર્સના અભ્યાસ બાદ CAમાં 5મો રેન્ક મેળવ્યો હતો
- M S યુનિએ હર્ષિતાને અભિનંદન પાઠવ્યા
વડોદરાઃ શહેરની એમ એસ યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયેલે યુપીએસસીની પરીક્ષામાં દેશભરમાં બીજો ક્રમ મેળવ્યો છે. એમ.એસ. યુનિવર્સિટી સંચાલિત એમ.કે. અમીન પાદરા કોલેજમાં કોમર્સમાં સ્નાતકની પદવી મેળવીને સીએ કરનારી વિદ્યાર્થિની યુપીએસસી ટોપર બની છે. હર્ષિતાએ ઊર્મિ સ્કૂલમાં ધોરણ 1 થી 10 સુધી અભ્યાસ કર્યા બાદ ન્યૂ ઇરામાં ધો.11-12નો અભ્યાસ કર્યો હતો.યુપીએસસીનું ફાઇનલ પરિણામ જાહેર થયું છે, જેમાં ટોપ-30માં 3 ગુજરાતીઓએ સ્થાન મેળવ્યું છે. યુપીએસસીમાં શહેરની વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે સમગ્ર દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે.
વજોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલે 2015માં ઊર્મિ સ્કૂલમાં સીબીએસઇ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા આપી હતી. ત્યારબાદ તેણે ન્યૂ ઇરા સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હર્ષિતાએ વડોદરાની સીએ ઇન્સ્ટિટ્યૂટમાંથી સીએનો અભ્યાસ પણ કર્યો હતો અને શહેરમાં સીએમાં 5મો રેન્ક મેળવ્યો હતો. આ અંગે યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસી પ્રો.ધનેશ પટેલે જણાવ્યું હતું કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હર્ષિતા ગોયલે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા બીજો રેન્ક મેળવ્યો છે. એ ગૌરવની વાત છે. અને વિદ્યાર્થી સમુદાયને પ્રેરણા આપે છે. યુનિવર્સિટી વતી હર્ષિતા ગોયલને અભિનંદન પાઠવ્યા હતા.યુપીએસસીના પરિણામ જાહેર થયાના આશરે 15 દિવસ પછી ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવશે. યુપીએસસી સિવિલ સર્વિસીઝ પરીક્ષાના ઇન્ટરવ્યુ 17 એપ્રિલ સુધી લેવામાં આવ્યાં હતાં. ઇન્ટરવ્યૂનો રાઉન્ડ 7 જાન્યુઆરીથી શરૂ થયો હતો. હર્ષિતાએ વડોદરાનું નામ રોશન કર્યું છે.