Homeગુજરાતીગુજરાતપૂજા માટેનું નકલી ઘી અને ફેક ડેરી પ્રોડક્ટસથી સાવધ રહેવા આરોગ્યમંત્રીએ કરી...

પૂજા માટેનું નકલી ઘી અને ફેક ડેરી પ્રોડક્ટસથી સાવધ રહેવા આરોગ્યમંત્રીએ કરી અપીલ

ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2026 : Caution regarding adulterated ghee and fake dairy products  રાજ્યના નાગરિકોને શ્રાવણ માસના પવિત્ર દિવસોની શુભકામનો પાઠવતા આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકોની શ્રદ્ધા અને સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા ભેળસેળિયા વેપારીઓ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે.

આ પવિત્ર માસ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સાત્વિક આહાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં ફરાળી લોટ, માવો, પનીર, ઘી અને દૂધ જેવી ખાદ્યસામગ્રીનું સતત ચેકિંગ હાથ ધરીને નકલી તથા ભેળસેળયુક્ત જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે.

આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોએ શક્ય હોય ત્યાં સુધી ખાવાની વસ્તુઓ ઘરે જ બનાવવી જોઈએ અથવા કોઈ પ્રમાણિક વ્યક્તિ, માન્ય કંપની કે ગૃહ ઉદ્યોગ પાસેથી જ ખરીદવી જોઈએ. તેમણે ચેતવણી આપતાં ઉમેર્યું હતું કે, વધુ નફો કમાવાની લાલચમાં જો કોઈ વેપારી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરશે, તો રાજ્ય સરકાર તેની સામે કડકમાં કડક કાનૂની પગલાં ભરશે.

મંત્રીએ શ્રદ્ધાળુઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં નાગરિકો પોતાની શ્રદ્ધાથી માત્ર ‘પૂજા માટેનું ઘી’ એવું લેબલ જોઈને ખરીદી લેતા હોય છે, જે કેટલાક કિસ્સાઓમાં ભેળસેળયુક્ત હોઈ શકે છે. નાગરિકોએ આવા બનાવટી ઘીનો ઉપયોગ ટાળવો જોઈએ. જો આપણે આવું ઘી ખરીદીશું, તો ભેળસેળિયા તત્વોને પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને બનાવટી ઘી વેચનારા તમામ તત્વોની ફેક્ટરીઓને શોધીને સીલ કરી દેવામાં આવી છે.

‘ભેળસેળ મુક્ત ગુજરાત’ના આ મહાઅભિયાનમાં જાગૃતિ ફેલાવવામાં સક્રિય ભૂમિકા ભજવવા બદલ આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ તમામ મીડિયા મિત્રોની કામગીરીને બિરદાવી હતી.અને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કડક કાર્યવાહીની સાથે સાથે હવે નાગરિકોએ પણ ભેળસેળ સામે જાગૃત થવાની જરૂર છે.

તેમણે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો બજારમાં સહકારી મંડળીઓ કે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ્સના નિયત ભાવ કરતાં ખૂબ જ ઓછા ભાવે દૂધ કે ઘી મળતું હોય, તો તે બનાવટી હોઈ શકે છે અને તે ક્યારેય ન ખરીદવું જોઈએ.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular