ગાંધીનગર, 20 ઓગસ્ટ, 2026 : Food and Drugs Department raids રાજ્યમાં જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૧૮૭ રેસ્ટોરેન્ટ્સ પર કરવામાં આવેલી આકસ્મિક તપાસની વિગતો મેળવી હતી. આ તપાસ દરમિયાન ૧૩૭ જેટલી રેસ્ટોરેન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાતાં, જાહેર આરોગ્યના હિતને સર્વોપરી રાખીને તંત્ર દ્વારા આ તમામ રેસ્ટોરેન્ટ્સને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમોનો ભંગ કરનાર બે રેસ્ટોરન્ટ્સને, રાજકોટ જીલ્લામાં એક અને નડિયાદ જીલ્લામાં ૩ રેસ્ટોરેન્ટને એમ કુલ ૬ રેસ્ટોરેન્ટને સીલ કરવામાં આવી છે., જ્યારે અન્ય ૪૦ રેસ્ટોરન્ટ્સને ક્ષતિઓ સુધારવા માટે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે અને ચાર રેસ્ટોરન્ટ્સના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકા (SMC) ના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર અને સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમો દ્વારા શહેરના તમામ ઝોનમાં ૨૦૯ હોટેલ-રેસ્ટોરેન્ટ અને ૩૪ ઢાબામાં સઘન ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કિચનની સાફ-સફાઈ, વાસી ખોરાક, મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને ડેરી પ્રોડક્ટ્સ અંગેના ડિસ્પ્લે બોર્ડની ચકાસણી કરીને કુલ ૫૪૮ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૧૨૮ હોટેલ-રેસ્ટોરન્ટને નોટિસ ઇસ્યુ કરી રૂ. ૪,૪૩,૮૦૦/- નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત સાફ-સફાઈ અને ગંભીર ખામીઓ ધરાવતી ૪૩ હોટેલ-રેસ્ટોરન્ટ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવી છે.


