
કર્ણાટક-તમિલનાડુમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, આઠ લોકોના મોત
બેંગ્લોરઃ છેલ્લા બે દિવસમાં કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદ પડ્યો છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાં બેંગલુરુમાં ત્રણ મૃત્યુનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે રવિવારથી બેંગલુરુમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના ઘણા ભાગો પાણીમાં ડૂબી ગયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે. તમિલનાડુના મદુરાઈમાં ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં એક છોકરા સહિત ત્રણ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ, કર્ણાટકના બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયેલા વરસાદી પાણીને બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે 12 વર્ષના બાળક સહિત બે લોકોનું વીજળીના કરંટથી મૃત્યુ થયું હતું.
માઈકો લેઆઉટ પોલીસના જણાવ્યા અનુસાર, બીટીએમ II સ્ટેજ નજીક એનએસ પાલ્યામાં મધુવન એપાર્ટમેન્ટના રહેવાસી મનમોહન કામથ (ઉ.વ 63)એ પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે મોટર પંપનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમણે પંપને સોકેટ સાથે જોડ્યો, ત્યારે શોર્ટ સર્કિટ થયું, જેના કારણે તેમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કામથ નજીક આવેલા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં કામ કરતા નેપાળી વ્યક્તિનો પુત્ર દિનેશ (ઉ.વ. 12)ને પણ વીજળીનો કરંટ લાગ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. ભારતમાં ચાલુ વર્ષો ચોમાસુ વહેલુ બેસે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે.