
- સુરતમાં 300 અધિકારી સહિતની 40 ટીમ જંક્શનો, મુખ્ય પોઈન્ટ પર તૈનાત રહેશે
- જે વાહનચાલકને 5 ઈ-ચલણ મળશે તેનું લાઈસન્સ રદ કરાશે
- 3 હજાર પોલીસ 772 કેમેરા, ડ્રોનથી હેલમેટનો કડક અમલ કરાવશે
સુરતઃ રાજ્યમાં પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ, સુરત, રાજકોટ, સહિત મહાનગરોમાં સરકારી કર્મચારીઓ સામે સીટબેલ્ટ અને હેલ્મેટની ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન પહેરનારા કર્મચારીઓ પાસે દંડની વસુલાત કરવામાં આવી હતી. હવે તા.15મી ફેબ્રુઆરીથી સુરત સહિત મહાનગરોમાં તમામ દ્વીચક્રી અને ફોરવ્હીલ ચાલકો સામે હેલ્મેટ અને સીટબેલ્ટની ઝૂંબેશ આદરવામાં આવશે. દ્વીચક્રી વાહનો પર હેલમેટ પહેર્યા વિના નીકળનારા ચાલકોને પોલીસ દંડ સાથે કડક કાર્યવાહી કરશે.
સુરત શહેર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા હેલમેટ ચેકિંગનું કડક અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે પોલીસના 3000 જેટલા કર્મચારીઓને તૈનાત કરાશે. આ ઉપરાંત 772 કેમેરા તેમજ ડ્રોનની મદદથી પણ ચેકિંગ કરાશે. 15મીથી શહેર પોલીસ દ્વારા હેલમેટ ચેકિંગ અભિયાન શરૂ કરાશે, જેમાં 300 જેટલા પોલીસ અધિકારી અને 3000 જેટલા પોલીસની ટીમ મેદાનમાં ઉતરશે. કુલ 40 જેટલી ટીમ બનાવીને મેગા ચેકિંગ હાથ ધરવામાં આવશે.
સૂત્રોના કહેવા મુજબ સુરત શહેરમાં ખાસ કરીને ટ્રાફિકના મહત્વના પોઇન્ટ અને ટ્રાફિક જંક્શન પર પોલીસની ટીમો તૈનાત રહશે અને હેલમેટ પહેરી ન હોય તેવા વાહનચાલકો પાસે સ્થળ પર જ દંડ વસૂલ કરાશે. આ ઉપરાંત 772 જેટલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે તેમજ ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે. જો આ કેમેરામાં પણ ટ્રાફિકના નિયમ તોડતાં પકડાશે તો તેમને પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા ઇ-ચલણ ફટકારવામાં આવશે. જો કોઇ પણ વાહનચાલકને 5થી વઘુ ઇ-ચલણ મળશે તો તેની માહિતી આરટીઓને આપવામાં આવશે અને તેનું લાઈસન્સ રદ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, માત્ર સુરત શહેર જ નહીં પણ અમદાવાદ સહિત મહાનગરોમાં પણ હેલ્મેટના કાયદાનું ફરજિયાત પાલન કરાવવા ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે.