
- બાઈકસવાર બન્ને મિત્રો ગેલ માતાજીના મંદિરે પુનમ ભરવા માટે જતાં હતા
- અકસ્માત બાદ કારચાલક નાસી ગયો
- પોલીસે ગુનો નોંધાને વધુ તપાસ હાથ ધરી
રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટના ભાડલા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર બે યુવાનોના મોત થયા હતા. બાઈકસવાર બન્ને મિત્રો ભાડલા ગામે ગેલ માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જિલ્લાના ગોંડલના મોવિયા રોડ પર રહેતા બાલાભાઇ વિજાભાઇ સાકળિયા (ઉ.વ.52) અને તેના મિત્ર ભૂપતભાઇ પ્રાગજીભાઇ કુમારખાણિયા (ઉ.વ.50) બાઇકમાં બેસીને ભાડલા મંદિરે પૂનમ ભરવા જતા હતા ત્યારે ભાડલા નજીક પૂરફાટ ઝડપે આવેલી કારે બાઇકને અડફેટે લેતા બન્નેને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં બન્નેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાલાભાઇ ચાર ભાઇમાં વચેટ હોવાનું અને મજૂરીકામ કરતા હતા. તેને સંતાનમાં એક પુત્ર હોવાનું તેમજ ભૂપતભાઇને સંતાનમાં બે પુત્ર હોવાનું અને ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતા બન્ને મજૂરીકામ કરતા હોય અને બુધવારે રજા હોય માતાજીના મંદિરે પૂનમ ભરવા આવતા હોય તે દરમિયાન આ અકસ્માત નડ્યો હોવાનું બહાર આવતા ભાડલા પોલીસે કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે. (FILE PHOTO)