1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બોરસદ નજીક હીટ એન્ડ રન, કાર બે બાઈકને ટક્કર મારી પલાયન, એકનું મોત, બે ઘવાયા
બોરસદ નજીક હીટ એન્ડ રન, કાર બે બાઈકને ટક્કર મારી પલાયન, એકનું મોત, બે ઘવાયા

બોરસદ નજીક હીટ એન્ડ રન, કાર બે બાઈકને ટક્કર મારી પલાયન, એકનું મોત, બે ઘવાયા

0
Social Share

આણંદ, 3 ફેબ્રુઆરી 2026: જિલ્લાના બોરસદ-ડાલી રોડ ઉપર કઠાણા ગામની રામપુરા નહેર નજીકથી પુરપાટ ઝડપે જઈ રહેલા એક કારના ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી એક બાઈકને ટક્કર મારી હતી ત્યારબાદ કાર પાછી વાળી બોરસદ તરફ ભાગવા જતા અન્ય એક બાઈકને પણ ટક્કર મારતા સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. આ બનાવ અંગે વિરસદ પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, બોરસદ તાલુકાના કઠાણા ગામે રહેતો મુકેશ ગણપતભાઈ પરમાર રાત્રિના સુમારે પોતાનું બાઈક લઈને કલમસર ખાતે રહેતા ફોઈના ઘરે જવા નીકળ્યો હતો. દરમિયાન ડાલી-બોરસદ રોડ ઉપર આવેલા રામપુરા નહેર નજીકથી તે પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે બાઈકને ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો ત્યારબાદ કાર ચાલકે કારને પાછી વાળી બોરસદ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સામેથી આવી રહેલ અન્ય એક બાઈકને ટક્કર મારતા બાઈક ઉપર સવાર અર્જુનભાઈ ભીમાભાઇ ચુનારા અને દિનેશભાઈ રઈજીભાઈ ચુનારા (બંને રહે. બદલપુર) રોડ ઉપર પટકાતા બંનેને ઇજાઓ પહોંચી હતી. બંને બાઈકોને ટક્કર માર્યા બાદ કાર ચાલક બોરસદ તરફ કાર લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત અંગે 108ને જાણ થતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘવાયેલા ત્રણેયને બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મુકેશભાઈ પરમારને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે શૈલેષભાઈ ગણપતભાઈ પરમારે વિરસદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code