ભાવનગર, 23 માર્ચ 2026: Houses of 5 including 4 female bootleggers demolished શહેરમાં વધતી ગુનાઈત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે સોમવારે સવારથી શહેરના આડોડીયા વિસ્તારમાં પોલીસે મ્યુનિ.કોર્પોરેશનની મદદથી ચાર મહિલા બુટલેગર તેમજ એક શરીર સંબધિત ગુનાના પુરુષ આરોપીના ગેરકાયદે બાંધકામ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને મ્યુનિની સંયુક્ત કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં પોલીસે મ્યુનિ.કોર્પોરેશનની મદદથી આજે સવારે 8 વાગ્યથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનમાં એક મહિલા બુટલેગર સહિત બેના ઘર, તેમજ ગેરકાયદે રહેલી 14 દુકાન અને 7 ઓરડી તોડી પાડવામાં આવી હતી. દબાણ હટાવ કામગીરીમાં આરોપીઓ અંજનાબેન પંકજભાઈ રાઠોડ, મીનાબેન રાકેશભાઈ રાઠોડ, પ્રીતિબેન આરજુભાઈ, હિરલબેન નિમેષભાઈ પરમારના ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આડોડીયા વિસ્તારની ડિમોલિશનની કામગીરી પૂર્ણ થતાં જેસીબી સાથે પોલીસ કાફલો આરોપી મોહમ્મદ ઝુંબેર શેખના દબાણ દૂર કરવા પ્રભુદાસ તળાવ હવામસ્જિદ વિસ્તારમાં રવાના થયો હતો અને બપોર બાદ પ્રભુદાસ તળાવ વિસ્તારમાં દબાણો હટાવાયા હતા. આ કામગીરી માટે સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથે મ્યુનિ. કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાઈત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ઘરો તૂટતા જોઈને મહિલાઓ રડતી જોવા મળી હતી.
આ ઉપરાંત ભાવનગર શહેરના દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નં. 729 અને 730 પરથી 13 દુકાન, 4 ઝૂપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળી કુલ 21 પાક્કા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જમીનની કિંમત જંત્રી ભાવ મુજબ અંદાજિત રૂ.91,95,000 થાય છે.


