
- એએમસીની ટીમો ઘરે ઘરે જઈને તપાસ કરશે,
- ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો નળ, ગટર કનેક્શન કાપીને ડોગને જપ્ત કરાશે,
- ડોગ રજિસ્ટ્રેશનની ફી હવેથી 1,000ની જગ્યાએ 2000 રૂપિયા વસુલ કરાશે,
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનનો ફરજિયાત નિયમ બનાવ્યો હોવા છતાંયે પેટડોગના માલિકો તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે મ્યુનિએ પેટડોગનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારા પેટડોગના માલિકો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોયતો નોટિસ ફટકારાશે. માત્ર એટલું જ નહીં, CNCD(કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) વિભાગની ટીમ ઘરે ઘરે જઈ તપાસ કરશે.
શહેરમાં પેટડોગ દ્વારા હુમલાના બનાવ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પેટડોગનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. 1 જાન્યુઆરી 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં એમ 9 મહિનામાં 16,358 પેટ ડોગના માલિકો દ્વારા 18,596 જેટલા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. લોકો હજી પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરાવી રહ્યા નથી. પેટ ડોગની રજિસ્ટ્રેશન ફીમાં 1000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી ડોગ રજિસ્ટ્રેશનની ફી 1,000ની જગ્યાએ 2000 રૂપિયા કરવામાં આવી છે.
શહેરમાં અત્યાર સુધીમાં જેટલા પણ પેટ ડોગના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે તેમાં સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો રાખે છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. કુલ 10 જેટલી પ્રજાતિના પેટ ડોગ લોકો રાખી રહ્યા છે. એએમસીમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. સૌથી આક્રમક ગણાતા રોટવીલર પ્રજાતિના ડોગ ખૂબ ઓછા લોકો પાસે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં પાલતુ શ્વાન (પેટ ડોગ) રાખનારા લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા માટે શરૂઆત કરી દીધી છે. પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ પેટ ડોગ નોંધાયેલા છે જેમાં જર્મન શેફર્ડ, લેબ્રાડોર, પામેરિયન, ગોલ્ડન રોટવીલર અને હસ્કી પ્રજાતિના ડોગનો સમાવેશ થાય છે. હજી પણ શહેરમાં અંદાજિત 30,000થી વધુ પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા નથી ત્યારે હવે આજે 1 ઓક્ટોબરથી ડોગ રજિસ્ટ્રેશનની ફીમાં વધારો કરી 2000 રૂપિયા કરવામાં આવ્યા છે. જે પેટ ડોગ માલિકોએ હજી સુધી રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.