અમદાવાદ, 09 માર્ચ 2026: Temple-mosque loudspeakers will have to be limited to the premises શહેરમાં ધ્વની પ્રદૂષણને રોકવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં મંદિર અને મસ્જિદના લાઉડસ્પીકરનો અવાજ પરિસર સુધી સંભળાય તે રીતે સીમીત રાખવો પડશે. આ ઉપરાંત શહેરમાં ધાર્મિક પ્રસંગ કે વરઘોડામાં ડીજે વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત લેવી પડશે. ધાર્મિક સંકુલ બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઇએ અને કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી DJ નહીં વગાડી શકાય જેવા અનેક નિયંત્રણો અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં છે.
અમદાવાદ શહેરમાં ખૂબ મોટા અવાજથી ડીજે વગાડવા અને માઈક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી ધ્વનિ પ્રદૂષણને અટકાવવા પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરમાં કોઈપણ માઇક સિસ્ટમ લગાવી ઉપયોગ કરતા પહેલા પોલીસની મંજૂરી લેવાની રહેશે. નીતિ નિયમ મુજબના ડેસિબલ અવાજ સુધી જ શહેરમાં માઈક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે. વરઘોડા, સરઘસ, રેલી વગેરે જ્યારે કાઢવામાં આવે ત્યારે નક્કી કરેલા અવાજ મુજબ જ ડીજે અથવા અન્ય માઇક સિસ્ટમ વગાડી શકાશે. જો વધારે અવાજમાં વગાડવામાં આવશે તો માઈક સિસ્ટમ અને ડીજે જપ્ત કરી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, મંદિરો, મસ્જિદો અને ચર્ચ જેવા ધાર્મિક પરિસરોમાં માઈક સિસ્ટમનો અવાજ એટલો જ રાખવો પડશે જે માત્ર સંકુલ સુધી મર્યાદિત રહે. જો માઈકનો અવાજ રહીશો કે રાહદારીઓ માટે અડચણરૂપ બનશે અથવા ભય ઉભો કરશે, તો પોલીસ તેના ઉપયોગ પર તાત્કાલિક મનાઈ ફરમાવી શકશે. આ ઉપરાંત શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપશે નહીં. જોકે, સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પોલીસની મંજૂરી સાથે અને નક્કી કરેલા ડેસિબલ મુજબ અવાજ રાખી શકાશે.
શહેરમાં હોસ્પિટલો, શાળાઓ અને કોર્ટની 100 મીટરની આસપાસના વિસ્તારને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ વગાડવા પર સખત પ્રતિબંધ રહેશે. રહેણાંક વિસ્તારો, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યાઓમાં પણ મંજૂરી વગર માઈક વાગશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વરઘોડા કે રેલીઓમાં પણ નક્કી કરેલી માત્રામાં જ અવાજ રાખવો પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે, તો પોલીસ માત્ર દંડ જ નહીં વસૂલે પરંતુ ડીજે અને માઈક સિસ્ટમ જેવા સાધનો જપ્ત કરીને ગુનો પણ નોંધશે.


