
- અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો,
- અજાણ્યા શખસે ફોન કરતા તેના સાથીઓ પાઈપો અને છરીઓ સાથે દોડી આવ્યા,
- યુવાનને માર મારતા હોવાનો વિડિયો લોકોએ ઉતાર્યો પણ છોડાવવા કોઈ ન આવ્યું
રાજકોટઃ શહેરમાં સામાન્ય બાબતે સ્કૂટરચાલક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો.શહેરના ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કુટર પર યુવાન જઈ રહ્યો હતો ત્યારે પાછળથી અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા સ્કૂટરચાલક યુવાને જોઈને ચલાવવાનું કહેતા સામેના શખસે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. લુખ્ખાગીરીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે વીડિયોના આધારે આવારાતત્વોની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના રામનગરમાં આવેલા લોધેશ્વર સોસાયટીમાં રહેતા રવિ ભીખુભાઈ જરીયા (ઉ.વ.30) નામનો યુવાન ગોંડલ રોડ ઉપરના પુલ પરથી વિજય પ્લોટ તરફ પોતાના સ્કુટરમાં જતો હતો. ત્યારે પાછળથી અજાણ્યા શખ્સે સ્કુટરને ઠોકર મારતા યુવકે જોઈને ચલાવવાનું કહેતા શખસે તેના અન્ય સાથી મિત્રોને બોલાવી યુવક સાથે બોલાચાલી કરી લોખંડના પાઇપ અને લાકડી વડે માર મારી છરી વડે હુમલો કરતા જાહેર રોડ પર સન્નાટો વ્યાપી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટયા હતા અને હુમલાખોરો નાસી જતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવમાં લોકો પોતાના મોબાઈલમાં વિડિયો ઉતારવામાં મગ્ન હતા પણ કોઈ યુવાનને છોડાવવા આવ્યુ ન હતું.
બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં એક યુવાન ઉપર ત્રણ જેટલા શખ્સો માર મારતા દેખાય છે. તેમાં લાંબા વાળ ધરાવતા શખ્સના હાથમાં છરી દેખાય છે, જે તેને લાલ કલરના ટીશર્ટ પહેરેલ યુવાન પર ઉગામી હતી. જયારે અન્ય એક મજબૂત બાંધાનો શખ્સ ભૂખરા કલરનો ટીશર્ટ પહેરેલ શખ્સ હાથમાં લોખંડનો પાઇપ અને છરી હાથમાં લઇ આવી લાલ ટીશર્ટ વાળા યુવાન પર પાઇપ વડે હુમલો કરે છે. આ પછી ત્રણેય શખ્સો સ્પ્લેન્ડર અને એક્સેસ વાહન લઇ ત્યાંથી નાસી છૂટે છે, જે વીડિયોના આધારે એ ડિવીઝન પોલીસ ટીમે હુમલાખોર ટોળકીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.