- રેલવેના ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને ઠગે 7 લાખનો ચુનો ચોપડ્યો,
- ટિકિટ ચેકિંગ દરમિયાન ઠગેએ ખોદકામ દરમિયાન દાગીના મળ્યા હોવાનું કહ્યું,
- વડોદરા રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદઃ સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રેલવે અધિકારીને સાત લાખ ગુમાવવા પડ્યા છે. રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખસે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને ડુપ્લીકેટ દાગીના પધરાવી રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા. જેથી ટીસીએ ચૂનો ચોપડનાર વિરુદ્ધ વડોદરા રેલવે પોલીસમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ હેડ ક્વાર્ટરમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર બજરંગલાલ ખીચીએ વડોદરા રેલવે પોલીસમાં ફરીયાદ નોધાવી છે કે, હું ગઇ 30 મેના રોજ મારી નોકરી અમદાવાદથી સુર્યનગરીમાં બાન્દ્રા અને બાન્દ્રાથી સુર્યનગરી ટ્રેનમાં અમદાવાદ સુધીની હતી. દરમિયાન હું મુસાફરોની ટીકીટ ચેક કરતો અમદાવાદ જતો હતો ત્યારે વિશ્વામિત્રી અને વડોદરા રેલવે સ્ટેશન વચ્ચે રાજુભાઈ નામના ઇસમે મને કહ્યુ હતું કે હું કડીયા કામ કરૂ છું મારી છોકરીના લગ્ન માટે પૈસાની જરૂર છે મારી પાસે કડીયા કામ કરતા દરમિયાન સોના-ચાંદીની જુની વસ્તુઓ મળી છે. તમે કોઇની પાસે વેચાણ કરીને મને મદદ કરો તેમ કહી મને એક લગડી આપી હતી. જેથી મેં તે ઇસમનો મોબાઈલ નંબર લીધો હતો અને મારો પણ તેને નંબર આપ્યો હતો. એક લગડી મેં સોનીને બતાવતા જે સોનાની હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ 2 જૂનના રોજ સવારના આશરે આઠેક વાગ્યાની આસપાસ મારા મોબાઈલ ફોન પર આ ઇસમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારી દિકરીના લગ્ન લેવાના હોય રૂ.10 લાખની જરૂર છે. જેથી મારી પાસેની સોનાની તમામ વસ્તુઓ તમને આપી દઈશ તમે મને 10 લાખ આપો. જેથી મેં તેઓને જણાવેલ કે હું તમને 7 લાખ આપી શકીશ. જેથી તેઓ રાજી થયા હતા. ટીસીએ બેંકમાંથી રૂપિયા 8.07 લાખની લોન લઈને 4 જૂને તે શખસને આણંદ ખાતે બોલાવ્યો હતો અને રૂપિયા તેના હાથમાં આપતા તેણે મને સોનાની લગડી અને દાગીના ભરેલી બે થેલી આપી હતી. ત્યારબાદ આ શખ્સ રૂપિયા લઈને નીકળી ગયો હતો. મેં ઘરે જઈને તેને ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હોય શંકા ગઈ હતી. જેથી મે સોનીને દાગીના અને લગડી બતાવતા તેઓએ ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. આમ ઠગ મને સોનાના દાગીના અને લગડી આપવાના બહાને મારી પાસેથી રૂપિયા 7 લાખ પડાવીને મારી સાથે છેતરપિંડી આચરી છે.


