
ભારતને ‘સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ’ માટે પ્રતિષ્ઠિત ISSA એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા માન્યતા પ્રાપ્ત 940 મિલિયનથી વધુ નાગરિકોને આવરી લેતા, 2015માં 19%થી વધીને 2025માં 64.3% સુધીના સામાજિક સુરક્ષા કવરેજમાં ભારતના ઐતિહાસિક વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો. ડૉ. મનસુખ માંડવિયા આજે મલેશિયાના કુઆલાલંપુરમાં વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમ (WSSF) 2025ને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં ભારતને ‘સામાજિક રક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ’ માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ સોશિયલ સિક્યુરિટી એસોસિએશન (ISSA) એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યો છે. વધુમાં, સામાજિક સુરક્ષા કવરેજમાં વધારો થયા પછી, ISSAની જનરલ એસેમ્બલીમાં ભારતનો હિસ્સો ત્રીસ (30) સુધી પહોંચી ગયો છે જે કોઈપણ દેશ માટે સૌથી વધુ મત હિસ્સો છે.
ભારત સરકાર વતી એવોર્ડ સ્વીકારતા ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “આ એવોર્ડ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન અને અંત્યોદયના માર્ગદર્શક સિદ્ધાંત, જે છેલ્લામાં છેલ્લા વ્યક્તિને સશક્ત બનાવે છે, તેનું પ્રમાણ છે, જેણે સમાવિષ્ટ અને સાર્વત્રિક સામાજિક સુરક્ષા તરફની આપણી યાત્રાને આકાર આપ્યો છે.” આ ત્રિમાસિક પુરસ્કાર વૈશ્વિક સ્તરે સામાજિક સુરક્ષા પ્રણાલીઓમાં ભારતની અસાધારણ પ્રગતિને માન્યતા આપે છે. આ પુરસ્કાર સમારોહ WSSFનો એક મુખ્ય ભાગ હતો, જે 163 દેશોના 1,200થી વધુ સામાજિક સુરક્ષા નીતિ નિર્માતાઓ અને વ્યાવસાયિકોનો એક અગ્રણી વૈશ્વિક મેળાવડો છે. શરૂઆતથી આ પુરસ્કાર મેળવનાર પાંચમો દેશ હોવાથી, ભારત સામાજિક સુરક્ષા કવરેજના ક્ષેત્રમાં વિશ્વભરના અગ્રણી દેશોમાં જોડાય છે.
કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધનમાં, ઈ- શ્રમ પોર્ટલનો ખાસ ઉલ્લેખ કરીને, ભારતમાં સામાજિક સુરક્ષા લાભોના કાર્યક્ષમ વિતરણ માટે વ્યાપક ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓની સ્થાપના પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું, ” ઈ- શ્રમ પોર્ટલ એક રાષ્ટ્રીય ડિજિટલ ડેટાબેઝ છે જે 310 મિલિયનથી વધુ અસંગઠિત કામદારોને બહુભાષી, સીમલેસ ઇન્ટરફેસ દ્વારા સામાજિક કલ્યાણ યોજનાઓ સાથે જોડતા “વન-સ્ટોપ સોલ્યુશન” તરીકે કામ કરે છે.” ડૉ. માંડવિયાએ નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ તરફ પણ ધ્યાન દોર્યું, જે નોકરી શોધનારાઓ અને નોકરીદાતાઓને એક સામાન્ય પ્લેટફોર્મ પર લાવવા માટે મજબૂત ડિજિટલ સાધનોથી સજ્જ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “આજે NCS પાસે કુશળ કાર્યબળનો પ્રમાણિત ડેટાબેઝ છે, જે વિશ્વભરના નોકરીદાતાઓ માટે સરળતાથી સુલભ છે, અને તે e- શ્રમ સાથે સંકલિત છે . આ ખાતરી કરશે કે આપણા કુશળ યુવાનો તેમના સામાજિક સુરક્ષા લાભો ગુમાવ્યા વિના વૈશ્વિક તકો મેળવી શકે છે.”
અગાઉ દિવસની શરૂઆતમાં, વિશ્વ સામાજિક સુરક્ષા સમિટના પૂર્ણ સત્ર દરમિયાન, ડૉ. મનસુખ માંડવિયાએ ભારતના બે અગ્રણી સામાજિક સુરક્ષા સંગઠનો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો, જે દેશના કાર્યબળને આરોગ્યસંભાળ, વીમા, પેન્શન યોજનાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. ટેકનોલોજીકલ અને શ્રમ બજારના ફેરફારો સાથે સામાજિક સુરક્ષાની બદલાતી ભૂમિકા પર બોલતા, મંત્રીએ કહ્યું, “અમે વ્યાપક નીતિ, પ્રક્રિયા અને ડિજિટલ સુધારા દ્વારા આપણી સામાજિક સુરક્ષાને મજબૂત બનાવી રહ્યા છીએ. ભારત નાણાકીય સુલભતા, કૌશલ્ય, સ્વ-રોજગાર અને ડિજિટલ નવીનતાને જોડતા સર્વાંગી અભિગમ દ્વારા નવી આવકની તકો અને સામાજિક સુરક્ષા જાળ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે.” તેમણે વધુમાં ભાર મૂક્યો કે, “ભારત મોખરે છે – ભવિષ્યને આકાર આપવા અને વિશ્વના યુવાનોને પ્રેરણા આપવા માટે તૈયાર છે.”